"સદગુરુ ની ખોજ" દશરથ પંચાલ
હું સમજણો થયો ત્યારથી સાચા સાધુની ખોજ શરૂ થયેલી. હું અત્યારે એ કહેવાતા પ્રખ્યાત સંતોની નામાવલિ રજુ કરીને એમનાં પાપ ધોવા નથી માગતો, પણ આશરે પચાસેક વર્ષની રઝળપાટ પછી મને સાચા અર્થમાં સાધુ અથવા સંતની ગણના થઈ શકે તેવા બે સંતોનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે, તેમનો સાક્ષાત્કાર આપને કરાવવાની મારી ઇચ્છા છે.
(૧) ઉત્તર પ્રદેશમાં શુક્રતાલ- જ્યાં પરીક્ષિત રાજાના મોક્ષ માટે શુકદેવજીએ સૌ પ્રથમ ભાગવત કથા કહેલી તે ગંગાકિનારે રમણીય સ્થળ જે અત્યારે શુકતાલ નામે ઓળખાય છે, એ મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર અને 200 ડીગ્રી કોલેજોનું નિર્માણ કરી સમાજને એનું લોકાર્પણ કરી દેનારા સ્વામી કલ્યાણદેવજી મને મુઝફ્ફરનગરમાં મળ્યા. દુબળો દેહ, આડંબર રહિત વ્યક્તિત્વ અને તદ્દન નિરાસક્ત સાધુ. વર્ષે પચાસ કરોડનું અનુદાન મેળવતી 200 ડીગ્રી કોલેજોનો જનક 128 વર્ષની વયે પણ 10×10 ફૂટની પોતાની ઊભી કરેલ પોલિટેકનિક કોલેજની જુની ઓરડીમાં રહે. નોકર-ચાકર કે સાહ્યબી ઊભી કરવાને બદલે કેવળ ભિક્ષાવૃતિથી જીવન નિર્વાહ ચલાવે અને મિલકતમાં માત્ર પહેરેલાં કપડાં! એ કપડાં ફાટે એટલે બીજા સાધુનાં કપડાં માગીને પહેરવાનું! આવો નિ:સ્પૃહ સાધુ મેં જોયો નથી.
એમની ઓરડીમાં સુવા માટે એક પાટ અને એક પાથરવાનો તથા એક ઓઢવાનો-એમ બે ધાબળા ને પાણી પીવાની નાની માટલી સિવાય કશું ન મળે! ભિક્ષામાં મકાઈ અથવા ઘઉંની રોટલી, ઓછા મરચાવાળું શાક અને છાશ અથવા દહીં સ્વીકારતા! મીઠાઈ એમણે કદી ચાખી જ નથી! એમની ખોજ પરમને પામવા માટેની હતી અને તે માટે આખું ભારત પગપાળા ખુંદવા છતાં પ્રાપ્ત ન થઈ! એક વખત ભ્રમણ કરતાં ઉત્તરપ્રદેશના એક ગામડામાં આવ્યા ત્યારે તેમની પાસે એક માસથી પોતાના પુત્રનો આવેલો પોસ્ટ કાર્ડ વંચાવવા એક ખેડૂત આવ્યો. એમણે એ પત્ર વાંચી આપ્યા પછી એમને સમજાયું કે, આઝાદ ભારતની સાચી આઝાદી શિક્ષણ વગર ઉપલબ્ધ થઈ શકવાની નથી. એમણે શિક્ષણ વડે ભારતને આબાદ બનાવવા માટે પછાત ગામોમાં શાળા, મહાશાળાઓ શરૂ કરી, જે આજે પણ ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં ચાલુ છે.
આવા સંત, જેઓ જવાહરલાલ નહેરુના લગ્ન સમારંભમાં નિમંત્રિત હતા! સાબરમતી આશ્રમના નિર્માણ સમયે તેમણે ત્રણ માસ ગાંધીજી સાથે ગાળેલા, લાલબહાદુર શાસ્ત્રી સાથે પણ ખાદી પ્રવૃત્તિના પ્રોત્સાહન માટે કામ કરેલું, રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા પછી એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ જેમનાં દર્શનની અભિલાષાથી શુકતાલ પધારે એવા વિરલ સંત સાથે મને ચાર દિવસ રહેવાનું સદભાગ્ય સાંપડ્યું તેને પરમાત્માની મારા પરની કૃપા લેખું છું. (સ્વામી કલ્યાણદેવજી મહારાજ સને 2008 માં 129 વર્ષની વયે સ્વર્ગવાસી થયા હતા.)
(૨) પાલનપુર પાસે જગાણા ગામ એમનાં મૂળ વતન અને પછીથી પરખડી ગામે પિતાજી સ્થાયી થવાથી ત્યાં બાળપણ વિતાવી, યુવાન વયે ભીલડી ખાતે પોતાનો ધંધો ધીકતો કરનાર અમરતભાઈનો માંહ્યલો પરમાત્માની ખોજ માટે તલસતો હતો. ધંધામાંથી સમય કાઢીને ભજનો-સંતોની પ્રેરક વાણીનો આસ્વાદ માણવા પહોંચી જતા. પરિવાર સાથે મહિનો હરિદ્વાર ખાતે ગાળી સંતોનું સાન્નિધ્ય માણતા.
ભર યુવાની, પૈસાની રેલમછેલ અને ચારિત્ર્યવાન પત્ની હોવા છતાં અમરતભાઈનો માંહ્યલો તો સતત અલખની આરાધનામાં રત રહેતો. પરિવારજનો પણ અમરતભાઈની પ્રભુભક્તિની તીવ્રતા જાણી ગયા હતા.
અમરતભાઈએ પોતાની ઉંમરની ચાલીસી વટાવતાંની સાથે જ સંસાર છોડી પ્રભુભક્તિમાં લીન થવા ભગવાં પહેરવાનો નિર્ણય લીધો અને પરિવારની રજા લઈ અમરતભાઈએ બાલારામનાં જંગલોમાં ધૂણી ધખાવી ને અમરદાસ થયા. થોડા વખત પછી વીરપુર (પાલનપુર) પાસે એક વીર મહારાજનો ટેકરો હતો ત્યાં જાતે ટ્રેક્ટર ચલાવી જમીન સ્થળ બનાવી વીર મહારાજ તેમજ શિવ મંદિર, પગપાળા અંબાજી જતા લોકો માટે વિસામો, સત્સંગ હોલ તેમજ કુટિરનું નિર્માણ કર્યું. સને 2011 માં સરકારે ગ્રાન્ટેડ આશ્રમશાળા આપી છે. આ બધું હોવા છતાં અમરદાસ બાપુનું પોષણ એમનો પરિવાર કરે છે. તેઓ સંસ્થામાંથી કે સમાજ પાસેથી કોઈ ચીજ કે ભેટ પોતાના માટે સ્વીકારતા નથી. પોતે કોઈના પણ ગુરુ થતા નથી. તેઓ ધાર્મિક પ્રવચનો નથી કરતા, પણ શાળા-કોલેજોમાં જઈને યુવક-યુવતીઓમાં વીરરસ તેમજ રાષ્ટ્રપ્રેમ વધે તેવાં પ્રેરક ઉદબોધનો કરે છે. આશ્રમશાળાનાં દીકરા-દીકરીઓને વહેલી સવારે પાંચ વાગ્યે તલવાર તેમજ લાકડી ફેરવવાની તાલીમ આપી સ્વરક્ષણના પાઠ ભણાવવામાં આવે છે. દીકરા-દીકરીઓને રહેવા માટે અદ્યતન છાત્રનિવાસ તેમજ ભોજનાલયનું નિર્માણ થયું છે. એક ગૌશાળા પણ છે. શિક્ષકોના નિવાસ પણ અહીં જ છે. વહેલી સવારે આશ્રમની પ્રાર્થનાના અવાજથી વીરપુર ગામ જાગે છે.
અસલ વિવેકાનંદ જેવા પડછંદ દેહ ધરાવતા તેમજ તેવો જ પહેરવેશ પહેરતા, એંસી વર્ષની નજીક પહોંચેલા અમરદાસબાપુનો જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો છે. આવા પરમ સંતની તુલના કરી શકાય તેવા અમરદાસબાપુ આજે પરમાર્થ આશ્રમ-વીરપુર ખાતે વિદ્યમાન છે.

No comments