"ફૂતોબા શિયૉબા" દશરથ પંચાલ
"ફુતોબા શિયોબા"
લેખક : દશરથ પંચાલ
જાપાન દેશની આ વાર્તા છે. જાપાનના એક નાના ગામમાં એક અનાથ બાળક રહેતો હતો. આ બાળકને ગામમાં કોઈ ને કોઈ ખાવા આપતું. એને કશું યાદ ન રહેતું. લોકો એની પાસે નાનાં મોટાં કામ કરાવી બદલામાં કાંઈક ખાવાનું આપતાં અને તે બાળક રાજી થતો.
આમ કરતાં તે પંદરેક વર્ષનો થયો. ગામલોકોને થયું કે, એને થોડું અક્ષરજ્ઞાન મળે તો શહેરમાં જઈ બે પૈસા કમાઈ શકે. એ ગામ નાનું હોવાથી ત્યાં શાળાની સુવિધા નહોતી. નદી પાર આવેલા બીજા ગામની શાળામાં અભ્યાસ કરવા જવું પડે. એને કોઈ વડીલે સલાહ આપી કે, તું શાળામાં બીજાં બાળકો સાથે ભણવા જા.
એ તો તરત જ વડીલની વાતનો અમલ કરવા ચાલી નીકળ્યો. રસ્તામાં નદી આવે. નદીમાં પાણી વહેતું, નદી પર પુલ ન હોવાથી નાવ દ્વારા નદી પાર કરવી પડતી. આ નદીમાં મોતી પાડતાં, તેથી એના ઈજારદારે સીક્યુરીટી મૂકી હતી. નાવનું ભાડું તો તેની પાસે નહોતું. પણ એને તરતાં આવડતું હતું, તેથી તરીને એણે નદી પાર કરી. તે ચાલતો બીજા ગામની શાળામાં પહોંચ્યો. સાહેબને કહે, 'મને ભણાવો.'
સાહેબ કહે, 'એમ થોડું ભણવા બેસી શકાય? તારૂં નામ લગાવવું પડે. શું નામ લખું?'
પેલો છોકરો તો ભૂલકણો હતો. એને કશું જ યાદ ન રહેતું! એણે માથું ખંજવાળી કહ્યું, 'મારૂં નામ તો હું ભૂલી ગયો છું.'
સાહેબે લપમાંથી છૂટવા કહ્યું, 'તારા ગામ જઈ કોઈને પૂછી આવ. તને યાદ રહેતું ન હોય તો કોઈની પાસે લખાવી લાવ.'
પેલો છોકરો તો વળી પાછો નદીમાં તરીને પોતાના ગામમાં પાછો આવ્યો. કોઈ ભણેલા માણસે શાહીવાળી પેન વડે શર્ટની કિનારી પર એનું નામ લખી આપ્યું.
ભણવાની લગની લાગેલી એટલે તરત શાળાએ જવા ચાલતો થયો. વારે ઘડીએ શર્ટની કિનારી પર લખેલું પોતાનું નામ યથાવત છે, એની ખાતરી કરતો નદી કિનારે પહોંચ્યો. ઝટપટ શાળાએ પહોંચવા એ નદીમાં પડ્યો ને તરતો તરતો સામા કિનારે પહોંચ્યો. સામા કિનારે જઈ એણે પોતાના નામની ખાતરી કરી તો નામ શર્ટની કિનારી પર નહોતું!
એણે વિચાર્યું કે, નદી પાર કરતી વખતે પોતાનું નામ નદીમાં પડી ગયું છે! હવે શું થાય? એને ઉકેલ મળી ગયો. એના માથા પર વાંસની ગુંથેલી ટોપી હતી. એ પોતાનું નામ પાણીમાંથી શોધવા માટે ટોપીમાં નદીનું પાણી ભરીને કિનારે ઠલવવા લાગ્યો!
સીક્યુરીટીવાળાને લાગ્યું કે, આ છોકરો નદીનું પાણી ઉલેચી મોતીની ચોરી કરી રહ્યો છે. સીક્યુરીટીવાળાએ સીસોટી વગાડી પેલા છોકરાને પાણી ઉલેચતાં રોક્યો, પણ એનું નામ નદીમાં ખોવાઈ ગયું હતું તેથી એણે નદીનું પાણી ઉલેચવાની કામગીરી ચાલુ જ રાખી. હવે સીક્યુરીટીવાળો ગુસ્સે ભરાયો ને લાકડી પછાડતો તેની પાસે ગયો.
મોટે ભાગે ઓછી અક્કલવાળા માણસોમાં તાકાત વધારે હોય છે! પેલા છોકરાને સીક્યુરીટીવાળાએ કહ્યું કે, 'તું નદીમાંથી મોતી કેમ કાઢે છે?'
છોકરાએ કહ્યું, 'તારી નદીએ મારૂં નામ લઈ લીધું છે, તેથી મારૂં નામ શોધું છું. મારૂં નામ આપી દે!' - એમ કહીને એ છોકરો તો સીક્યુરીટીવાળા પર તૂટી પડ્યો! સીક્યુરીટીવાળાને તો મારી મારીને એણે અધમૂઓ કરી નાખ્યો! સીક્યુરીટીવાળો મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો : 'ફુતોબા શિયોબા...ફુતોબા શિયોબા..'
આ સાંભળતાં જ પેલા છોકરાએ સીક્યુરીટીવાળાને છોડ્યો! એને પોતાનું નામ મળી ગયું હતું!
પરંતુ, સીક્યુરીટીવાળો તો પેલા છોકરાને ઓળખતો જ નહોતો, તો કેવી રીતે નામ આવડ્યું! સીક્યુરીટીવાળાએ પોતાના બચાવ માટે બૂમો પાડી કહ્યું, 'મને મારીશ નહીં, મને છોડી મૂક!' જાપાનીઝ ભાષામાં એણે કહ્યું, 'ફુતોબા શિયોબા!'
પેલા છોકરાને પોતાનું નામ મળી જવાથી તે ચાલતો થયો ને સીક્યુરીટીવાળો લંગડાતે પગે પોતાની ફરજ બજાવવા લાગ્યો!
No comments