"પાત્ર"(ભિક્ષુક નું અનંત પાત્ર) દશરથ પંચાલ
"પાત્ર"સંકલન : દશરથ પંચાલ
એક વખત એક ભિખારી નારદજી પાસે ગયો અને કહ્યું, 'હે બ્રહ્મર્ષિ, આપ મને મારા હાથમાં રહેલું પાત્ર ધનથી ભરી આપો.'
નારદજી કહે, 'હું તો ફરતારામ છું. મારી પાસે ક્યાંથી ધન હોય? તું ખોટી જગ્યાએ માગણી કરી રહ્યો છે!'
પેલો ભિખારી નારદજીની વાત સાંભળવાનો બદલે પોતાનું પાત્ર સોનામહોરોથી ભરી આપવા વિનંતી કરતો રહ્યો.
નારદજીએ ભિખારીથી પોતાનો પીછો છોડાવવા માટે કહ્યું, 'તું કુબેર ભંડારી પાસે જા. એ તારૂં પાત્ર સોનામહોરોથી ભરી આપશે!'
ભિખારી કહે, 'પણ મને કુબેર ભંડારી ના પાડશે તો? તમે મને કુબેર ભંડારી પર ચીઠ્ઠી લખી આપો!'
નારદજીએ કુબેર ભંડારી પર ચીઠ્ઠી લખી આપી. ભિખારી તો નારદજીની ચીઠ્ઠી લઈ ઉપડ્યો કુબેર ભંડારી પાસે!
કુબેર ભંડારીના દરવાનોએ ભિખારીને રોક્યો. ભિખારીએ નારદજીની કુબેર ભંડારી પર લખેલી ચિઠ્ઠી બતાવી, એટલે ભિખારીને દરવાજા પાસે ઊભા રહેવાની સૂચના આપીને દરવાન ચીઠ્ઠી લઈ કુબેર ભંડારી પાસે ગયો. કુબેર ભંડારીએ નારદજીની લખેલી ચિઠ્ઠી વાંચી. નારદજીની ભલામણ હતી એટલે એમની અવગણના ન કરવા કુબેર ભંડારીએ પોતાના ભંડારમાંથી એ ભિખારીનું પાત્ર ભરી આપવા દરવાનને સૂચના આપી.
દરવાનને ભંડાર ખોલી ભિખારીના હાથમાં રહેલા પાત્રમાં સોનામહોરો ભરવા લાગ્યો, ભંડાર આખો ખાલી થયો પણ ભિખારીનું પાત્ર ભરાયું જ નહીં!
દરવાને કુબેર ભંડારીને કહ્યું કે, 'આ ભિખારી પાસેના પાત્રમાં કંઈક કરામત છે, આખો ભંડાર એમાં ઠાલવી દીધો પણ એનું નાનકડું પાત્ર ભરાતું જ નથી!'
કુબેર ભંડારી પેલા ભિખારી પાસે ગયા. એમણે પાત્ર જોયું તો અધુરૂં હતું! એમણે ભિખારીને પૂછ્યું: ' આ પાત્ર ભરાતું જ નથી, તું એ ક્યાંથી લાવ્યો છે?'
'હું રસ્તામાં આવતો હતો ત્યારે એક સ્મશાન પાસે આ પાત્ર પડેલું, મને ગમ્યું એટલે મેં લઈ લીધું!' ભિખારીએ જવાબ આપ્યો.
કુબેર ભંડારીએ એ પાત્ર હાથમાં લઈને ચારે બાજુથી ફેરવીને જોયું અને પછી કહ્યું : 'આ પાત્રમાં આખા વિશ્વના ભંડારો ઠાલવશો તો પણ ભરાશે નહીં, કારણ કે એ માણસની ખોપરી છે. એને ગમે તેટલું મળે તો ય સંતોષ થતો નથી, માટે એ કદી પણ ભરી શકાશે નહીં!'
મિત્રો, માણસને સંતોષ નથી, એને સંપત્તિ હોય કે જ્ઞાન, એને ગમે તેટલું મળવા છતાં સંતોષનો ઓડકાર આવતો નથી!
1 comment
અત્યંત આકર્ષક ટાઈટલ. આપનો ખૂબ ખૂબ આભાર.