"શૃંગાર રાત્રી" દશરથ પંચાલ
"શૃંગાર રાત્રિ "
લેખક: : દશરથ પંચાલ
રૂપગર્વિતા વાસવદત્તા.
નગરમાં વાસવદત્તાનાં રૂપનાં વખાણ કરતાં લોકો થાકતા નહોતા. એના રૂપનાં સન્માન થતાં. એ સમયે રૂપને લોલુપતાભરી નજરે નહીં, વિવેક અને માણસાઈની નજરે મૂલ્યાંકન થતું. તે સમયે વિવેક વ્યભિચારના રૂપમાં પરિવર્તિત થયો ન હતો!
કુદરતે વાસવદત્તાને ખોબલે ખોબલે સૌંદર્ય પીરસ્યું હતું. કુદરતે એને નવરાશના સમયે નમણા નાજુક દેહની લ્હાણી કરી હતી! એવા રૂપનું વાસવદત્તાને અભિમાન હતું.
રાજદરબારે શોભાયમાન થાય તેવું આ રૂપ નગરશેઠને ઘેર ઊછરી રહ્યું હતું.
સોળ વરસનું એ સૌંદર્ય હતું! નગરના અનેક લવરમૂછીયા યુવાનો આ રૂપની પાછળ ઘેલા થયા હતા, પણ વાસવદત્તા કોઈને મચક આપતી ન હતી!
આજે સમગ્ર રાજ્યમાં રાજકુંવરનાં લગ્નનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સૌ નગરજનો પોતાના ઘરે લગ્ન હોય તેમ ઉમંગથી પોતાનાં ઘરને શણગારી રહ્યા હતા. આખું નગર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું.
નગરશેઠની દીકરી વાસવદત્તા પણ લગ્નમાં મહાલવા રથમાં બેસી રાજદરબારમાં આવી છે! સૌને વાસવદત્તાનાં રૂપનું ઘેલું લાગ્યું છે અને વાસવદત્તાને એનું અભિમાન છે. એ ગર્વમાં વધારો કરવા વાસવદત્તાએ રાજદરબારમાં નવયુગલ સામે નૃત્ય કર્યું ત્યારે સમગ્ર નગર એમાં તલ્લીન બની ગયું! વાસવદત્તાને અનેક સરપાવ મળ્યા. રાજકુમાર તો વાસવદત્તાનાં નૃત્ય પર ઓળઘોળ બની ગયો ને પોતાના ગળાનો નવલખો હાર વાસવદત્તાને જાતે પહેરાવ્યો! રાજકુમારના આ ઉમળકાને નગરજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો!
આ બનાવથી તો વાસવદત્તાનું ગર્વ વધુ ખીલ્યું. એ ગર્વને કારણે એનામાં થોડીક આછકલાઈ અને તોછડાપણું આવ્યું!
આ બધું આવે, એમાય યુવાની હોય, બેફામ રૂપ નીતરતું હોય ત્યારે વિવેકનો આંક નીચો ઊતરતો હોય છે! શિષ્ટાચાર છેડો ફાડવા મથતો હોય છે!
મધરાત થવા આવી છે. રૂપગર્વિતા વાસવદત્તાને રાતરાણીની મદઝરતી સુવાસ માણવાનું મન થયું છે. તે પોતાના ઘર પાસેના બગીચામાં આવે ટાણે એકલી અટુલી નીકળી પડી છે.
એક નાનકડી કાંકરી પણ એના નાજુક પગને ઈજા કરી શકે એવી કોમળ કાયા ધરાવતી વાસવદત્તા વાદળછાયી પૂર્ણિમાની મધરાતે બગીચામાં ઘૂમી રહી હતી ત્યારે તેના ફૂલ જેવા કોમળ પગે કશુંક અથડાય છે. એ નીચે વળીને જુએ છે તો એક યુવાન સાધુ સૂતો છે! આછા અજવાળામાં પણ એના ચહેરા પરનું તેજ નીરખીને વાસવદત્તાના મનમાં વાસનાનો ઉદભવ થયો!
એ રૂપગર્વિતાના રૂપે સાધુને કહ્યું : 'આવી કઠોર ભૂમિ પર શા માટે સૂતો છે? તારી તો પ્રેમ કરવાની, સંસારને માણવાની ઉંમર છે, ભગવાને તને સૌષ્ઠવભર્યો દેહ આપ્યો છે એને આમ ભગવા ભેખમાં શા માટે વેડફે છે? ઊભો થા, ચાલ મારી સાથે. હું તને ભરપૂર પ્રેમરસ પાઈશ.'
સાધુએ વાસવદત્તામાં ઊભરી રહેલી વાસનાને પારખી લીધી. સાધુએ કહ્યું : ' હે દેવી, હું જરૂર આવીશ, તારી સાથે શૃંગારરાત્રિ માણવા, પણ આજે નહીં. ભવિષ્યમાં હું તારી સાથે શૃંગારરાત્રિ માણવા જરૂર આવીશ.'
ને સાધુ આ શબ્દો સાથે ત્યાંથી ઊઠીને ચાલતો થયો.
આ પ્રસંગને વરસો વીત્યાં! રૂપગર્વિતા વાસવદત્તાના રૂપને નજર લાગી ગઈ! વાસવદત્તાને રક્તપિત્તનો રોગ થયો! એના હાથે-પગે જખમ પડ્યા, એ જખમમાંથી લોહી-પરુ વહે, અસહ્ય દુર્ગંધથી વાસવદત્તાને દેહ સબડતો હતો. એક સમયની રૂપગર્વિતાના સામે કોઈ જોવા તૈયાર ન હતું!
મેઘલી રાત જામી છે! એક સાધુ ધીમે પગલે વાસવદત્તા તરફ આવી રહ્યો છે. વાસવદત્તાના શરીરની દુર્ગંધ એને અસર કરતી નથી! આ એ જ સાધુ છે, જેણે વરસો પહેલાં વાસવદત્તાના વાસનાભર્યા પ્રેમનો અસ્વીકાર કર્યો હતો!
સાધુએ વાસવદત્તા પાસે આવી કહ્યું : 'હે દેવી! ઊઠ, તારા-મારા મિલનની આ શૃંગારરાત્રિ છે!'
વાસવદત્તાનું રૂપ લોહી-પરુ અને દુર્ગંધથી ખરડાઈ ચૂક્યું હતું. એક વેળાએ વાસવદત્તાના રૂપની ઝલક માણવા તલસતા યુવાનો આજે એના દેહની દુર્ગંધથી દૂર ભાગતા હતા!
સાધુને વાસવદત્તાના રૂપનાં રખોપાં નહીં, એના તરફની સમાજની ઘૃણા અને તિરસ્કારને ખંખેરી, એનામાં આત્મવિશ્વાસ જગાડવો હતો! એણે વાસવદત્તાના દેહને ભોગ ભોગવવાના સાધન તરીકે નહીં, પરમાત્માના એક અણુ તરીકે જોયો હતો!
સાધુએ વાસવદત્તાની ભક્તિભાવપૂર્વક સેવાસુશ્રુષા કરી.
આજે માનવશરીરને લાગેલો કુષ્ઠરોગ આધુનિક સારવારથી ચોક્કસ મટી શકે છે, પણ માનવતાને લાગેલો કુષ્ઠરોગ ક્યારે મટશે??
No comments