three columns

Breaking News

"આ વિશ્વ મા કશુંજ અશક્ય નથી" દશરથ પંચાલ

"આ વિશ્વમાં કશું જ અશક્ય નથી"
લેખક : દશરથ પંચાલ
ધોમ ધખતા તાપમાં એક તેજસ્વી યુવાન સાધુ કેસરિયા વેશમાં એક નગર પાસેથી ઉઘાડા પગે વિચરણ કરી રહ્યો છે. એના ચહેરા પરનું તેજ એટલું ઝગારા મારે છે કે, કામદેવની પત્ની રતિ પણ એનું બ્રહ્મચર્ય ખંડિત કરવામાં અસમર્થ નીવડે! કુબેનનો હીરા, માણેક, મોતીનો ખજાનો એને લેશમાત્ર લલચાવી ન શકે!
આવો અડગ આત્મવિશ્વાસ ધરાવતો યુવાન સાધુ પરમ તત્ત્વને પામવા કાજે વિચરણ કરતો કરતો એક રજવાડાની સીમામાં પ્રવેશ્યો. એ મોટે ભાગે લોકોથી દૂર રહેતો. ફળાહાર દ્વારા તનનું પોષણ કરતો. રાત્રિનિવાસ ક્યારેય ગામમાં ન કરતો.
ધોમધખતા તાપમાં વિચરણ કરતા લવરમૂછીયા સાધુએ નગરવાસીઓનું ધ્યાન તો ખેંચ્યું જ હતું, પણ એ સાધુ તો પોતાની મસ્તીમાં પગપાળો જંગલને રસ્તે આગળ વધ્યો.
સૂરજ માથા પર આવી ગયો હતો. રસ્તામાં એક વાવ આવી. પ્રજાવત્સલ રાજવીએ લોકોના ભલા માટે ઠેર ઠેર વાવ-કૂવા બનાવેલા હતા. સાધુને તરસ પણ લાગી હતી. એણે વાવમાં ઉતરતાં પ્રવેશદ્વાર પાસે કોઈએ લખેલું વાક્ય વાંચ્યું : 'આ દુનિયામાં કોઈને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી!'
આ વાક્ય વાંચતાં જ આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનની તરસ મરી ગઈ! એના મનમાં એક આહટ જાગી! વાવની બાજુમાં ઊભેલા ઘેઘૂર વડલાની શીતળ છાયામાં થડને ટેકે વિચારતો બેઠો!
'મને મારા દિવ્ય ગુરુજી દ્વારા સતત સિંચેલ આત્મવિશ્વાસનું બળ સાચું કે પછી આ વાવના પ્રવેશદ્વાર પાસે લખેલ વાક્ય સાચું?'
એણે પોતાના મનોમંથનને સત્યની એરણ પર ચડાવવાનો અડગ નિર્ધાર કર્યો! એણે વિચાર્યું કે, એવું કરવા ધારવું કે જે પોતાના માટે અશક્ય લાગતું હોય! ખુબ વિચારને અંતે એણે નક્કી કર્યું કે, મારે આ નગરના રાજાની કુંવરી સાથે પરણવું છે!
અશક્ય વાતને શક્યતામાં બદલવા એ અડગ મનોબળ ધરાવતા યુવાન સાધુએ પોતાના સાધુત્વને અડાણે મૂકવાની હિંમત કરી! નખશિખ ચરિત્રવાન સાધુ સંપૂર્ણ સાનભાન સાથે વડના ઝાડ નીચે પોતાના જ્ઞાનની પરીક્ષા લેવા પલાંઠી વાળીને બેસી ગયો!
પહેલા દિવસે રસ્તે જતા-આવતા વટેમાર્ગુઓ કૌતુકભરી નજરે નિહાળી રમૂજ કરતા પસાર થયા. બીજો દિવસ ઊગ્યો. એક ગોવાળે સાધુ સમક્ષ દૂધનો કટોરો ધર્યો. કોઈએ ફળ લાવી મૂક્યાં. સાધુ તો કોઈનેય નજર આપ્યા વગર લોકોએ આપેલી ખાદ્ય ચીજો સ્વીકારે છે. પોતાના ખપ પુરતી રાખી બાકીની પ્રસાદ કરીને વટેમાર્ગુને આપે છે.
આ યુવાન સાધુ ઊંચી આંખ કરીને કોઈનાય સામે જોતો નથી કે નથી કોઈની સાથે સત્સંગ કરતો. એ તો પોતે નક્કી કરેલા ધ્યેયને સર કરવા માટે સતત સાધના કરતો બેઠો છે!
એક પચીસેક વરસનો યુવાન સાધુ અઠવાડિયાથી એક આસને વાવ પાસે વડના ઝાડ નીચે બેઠો છે. એના સાધુત્વના ઝગારા મારતા તેજનાં વર્ણન નગરવાસીઓ પોતાની રીતે રજૂ કરતાં રહેતાં. એકાદ અઠવાડિયામાં ગામના નગરશેઠ પાસે વાત પહોંચી. તેઓ સપરિવાર સાધુનાં દર્શને જઈ આવ્યા, પણ સાધુ કોઈનેય નજર આપતો નથી.
આ વાત વહેતી થઈ અને રાજા પાસે પહોંચી. રાજા પોતાના પરિવાર સાથે રથમાં બેસી સાધુનાં દર્શન કરવા ચાલ્યા!
ખુદ ભગવાન આવે તોય એની તમા ન રાખનાર સાધુને તો વળી રાજા એટલે કઈ વાડીનો મૂળો! એણે રાજા સામે નજર પણ ન કરી!
રાજાએ ફળાહાર આપતાં કહ્યું, 'યુવાન સાધુ, આપનું તેજસ્વી લલાટ નિહાળી હું અભિભૂત થયો છું. આપ મારા નગરમાં પધારો. આપની ઈચ્છા મુજબના મઠનું નિર્માણ કરાવી આપું, આપ તેના મઠાધિપતિ રૂપે મારા રાજ્યને શોભાયમાન કરવાની કૃપા કરો!'
સાધુ તો ઊંચી આંખ કરીનેય રાજાની ઉપસ્થિતિનો આદર કરતો નથી. રાજાની સાથે યુવાન અને ચતુર રાજકુંવરી પણ આવી હતી. સાધુનું મૌન રાજાને વધુ આકર્ષક લાગ્યું. એના મનમાં થયું કે, આ સાધુ જેવોતેવો નથી. એને કોઇ આસક્તિ નથી. એનાં નયનનું તેજ કોઈ નિહાળી શક્યું નથી. આવો સાધુ શોધતાંય ના મળે, એ પોતાના રાજ્યમાં આવ્યો છે તો, એને કોઈ પણ ભોગે નગરમાં સ્થાન આપી રાજ્યની શોભા વધારવી જોઈએ!
રાજાએ ખુબ વિનંતી કરી કે, 'તમે કંઈક માગો. તમે જે માગશો તે આપવા હું વચન આપું છું!'
સાધુએ ધીમેથી પોતાનું વદન રાજા સામે કર્યું. એના સાધુત્વના તેજ સામે રાજતેજ ઝંખવાઈ ગયું. સાધુએ પ્રથમ વાર વાણી ઉચ્ચારી. 'રાજવી, શું આપ મારી ઈચ્છા પૂર્ણ કરશો? વચન આપીને ફરી તો નહીં જાઓને?'
સાધુનો અવાજ એટલો મૃદુ હતો કે, ભલભલાને એની મોહિની લાગી જાય! રાજાએ કહ્યું, મારા અફર વચનથી સમગ્ર પ્રજાજનો વિદિત છે. આપ કહો તો તામ્રપત્ર લખી આપું, બસ આપની ઈચ્છા જણાવો. આપની ઈચ્છા પૂર્ણ થશે.'
'મારી ઈચ્છા આપની રાજકુંવરી સાથે લગ્ન કરવાની છે!' યુવાન સાધુએ પોતાની કસોટીમાંથી પાર ઉતરવા રાજાના રોષની પરવા કર્યા વિના કહ્યું.
વાતાવરણમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો. રાજા વચન આપી ચૂક્યા હતા. એમને સ્વપ્નમાં પણ ન ધારેલી માગણી થતાં રાજાના મુખ પરનું તેજ હણાઈ ગયેલું જોઈ ચતુર રાજકુંવરીએ સાધુને કહ્યું, 'મહર્ષિ, હું આપની સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે: મારા કાનમાં સાચાં મોતીનું એરિંગ છે, તેના જેવું જ બીજું એરિંગ તમે લાવી આપો તો હું આપની સાથે લગ્ન કરીશ.'
રાજાને પોતાની કુંવરી પર ભરોસો હતો, કુંવરીના ચાતુર્યથી તે માહિતગાર હતો. રાજાએ પોતાની સંમતિ જાહેર કરી.
સાધુને થયું કે, એવું એરિંગ તો પોતે જરૂર લઈ આવશે. રાજકુંવરીએ પોતાના કાનમાંથી એક એરિંગ કાઢીને સાધુને આપ્યું. છ માસની અવધિ નક્કી કરવામાં આવી. સાધુએ પૂછ્યું : 'આ સાચાં મોતી ક્યાં મળે?'
'દરિયામાં!' રાજકુંવરીના જવાબે સાધુ સાબદો થયો! એણે દરિયાની દિશા પકડી.
સાધુએ દરિયા કિનારે જઈ પોતાના કમંડળથી દરિયો ઉલેચવાનો મહાયજ્ઞ આરંભ્યો! એ રાતદિવસ વણથંભ્યો દરિયો ઉલેચતો રહ્યો!
એ નખશિખ ચરિત્રવાન સાધુની સત્યને પામવાની અપ્રતિમ તાલાવેલી સતત ચાર ચાર મહિનાથી નિહાળી રહેલાં પાર્વતીએ સાધુ જે જગાએ પાણી ભરેલું કમંડળ ખાલી કરતો ત્યાં  એવું જ સાચાં મોતીનું એરિંગ ફેંક્યું. દરિયામાંથી ભરી લાવેલું કમંડળ ખાલી કરતાં પેલા એરિંગ પર સાધુની નજર પડી. સાધુને લાગ્યું કે, દરિયામાંથી સાચાં મોતીનું એરિંગ મળી આવ્યું! એણે બંને એરિંગ સરખાવી જોયાં. બંને એકરૂપ હતાં!
સાધુ બંને એરિંગ સાથે પેલી વાવ નજીક વડના ઝાડ પાસે આવી પહોંચ્યો! એણે રાજાને સમાચાર મોકલ્યા કે, પોતે નિયત મુદતમાં એરિંગ લઈ આવ્યો છે!
રાજા પોતાની રાજકુંવરી સાથે સાધુ પાસે ગયો. એમણે એરિંગ જોયાં. બરાબર હતાં! રાજા અને રાજકુંવરી સમજી ગયાં હતાં કે, આ સામાન્ય સાધુ નથી, બલ્કે કોઈ રાજકુમારથી જરાય કમ નથી.
રાજાએ સાધુને પગે પડતાં કહ્યું કે, 'આપ રાજકુંવરી સાથે લગ્ન કરવાની કૃપા કરો.'
સાધુ આ શબ્દો સાંભળતાં વેંત ઊભો થયો ને રાજા તેમજ રાજકુંવરીના પગમાં પડી, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. એણે વાવના દરવાજા પાસે કોઈએ લખેલ નિરાશાપ્રેરક વાક્ય બતાવ્યું અને કહ્યું : ' મહારાજ, હું  તો સાધુ, મારાથી રાજકુંવરી સાથે લગ્ન કરવાની વાતથી પણ મારૂં ચારિત્ર્ય લાજે! આ વાવની દિવાલ પર કોઈએ લખેલ નિરાશાપ્રેરક વાક્ય વાંચ્યું ને મારા ગુરુજીએ આપેલ જ્ઞાનને ચરિતાર્થ કરવા માટે મારામાં રહેલા અપ્રતિમ આત્મવિશ્વાસના બળે હું સત્યની શોધ કરવા તૈયાર થયો હતો. આપ મારા પિતા સમાન છો અને રાજકુંવરી મારી બહેન સમાન છે. મેં આપની પાસે રાજકુંવરીનાં લગ્ન મારી સાથે કરાવી આપવાની માગણી કરેલી, તે માટે હું  આપની તથા રાજકુંવરીના ક્ષમા માગું છું.'
એમ કહી સાધુએ વાવની દિવાલ પરનું પેલું વાક્ય ભૂંસી નાખ્યું અને તેની જગાએ લખ્યું  :  "આ વિશ્વમાં કશું જ અશક્ય નથી!"
અને એ સાધુ ત્યાંથી ચાલી નીકળ્યો!

No comments