"વેરનાં વળામણા" (એક પ્રેમ કથાનો કરુણ અંત)
"વેરનાં વળામણાં"
(સત્ય ઘટના)
લેખક : દશરથ પંચાલ
ગાંધીનગર પાસેનું કોલવડા ગામ. મનસુખ દરજી મૂળ સૌરાષ્ટ્રના, દરજીકામ અર્થે કોલવડા વસેલા. મનસુખ દરજી કપડાં સેવાનું કામ કરે. ગામડામાં બીજા દરજી નહીં, એટલે મોટેભાગે લોકો મનસુખ દરજી પાસે જ કપડાં સીવડાવતા. મનસુખ દરજીને એક પરણાવે એવી દીકરી સુમિત્રા. સુમિત્રા સાત ધોરણ ભણેલી, પણ સાંજ પડ્યે લટીયાંપટીયાં પાડી સંડાસ જવાના બહાને બજારમાંથી નીકળી ગામ બહાર દૂધની ડેરી પાસે થઈ તળાવ સુધી આંટો મારી આવતી! આમેય પહેલાં તો યુવાન છોકરીઓને ઘરવાળાંની સી. સી. ટી. વી. કેમેરા જેવી ચકોર નજરમાંથી મુક્ત થવાનું અમોઘ શસ્ત્ર એટલે લોટો પાણીથી ભરીને નીકળવાનું! કોઈની રજા જ લેવી ના પડે, કોઈ એમ પણ ના કહી શકે કે, 'હમણાં નહીં, પછી જજે!'
આમ કરતાં સુમિત્રાની આંખ દૂધની ડેરીમાં નોકરી કરતા જયંતિ નામના પટેલ યુવાન સાથે મળી ગયેલી! મનસુખ દરજી સૌરાષ્ટ્રમાંથી આવેલા એટલે એમનાં સગાં ગાંધીનગર વિસ્તારમાં ન હોવાથી સુમિત્રાની બહેનપણીઓ 'મમ્મી' બની ગઈ હતી, છતાં સુમિત્રાની સગાઈ હજી થઈ નહોતી.
દૂધની ડેરીમાં નોકરી કરતો જયંતિ 30 વર્ષનો થયો હતો, પણ જમીન હતી નહીં, મોટાભાઈ છૂટક મજૂરી કરી ઘર માંડ ચલાવતા, ત્યાં કામધંધા વગરના જયંતિને કયો બાપ પોતાની દીકરી આપે!
અને આમ, એકાદ દિવસ જયંતિ અને સુમિત્રાની આંખ મળી ગઈ. પછી તો સાંજે દૂધ ભરવાનો સમય થાય ને સુમિત્રા પાણીનો લોટો ભરે!
ગામડાઓમાં તો દરેકની આંખમાં માઈક્રો કેમેરા કુદરત એકસ્ટ્રા ફિટિંગ કરીને પૃથ્વી પર મોકલતો હોય છે! જયંતિ અને સુમિત્રાની રોજની મુલાકાત આવા અનેક માઈક્રો કેમેરામાં ઝીલવા લાગી અને એનું બ્રોડકાસ્ટ પણ થવા લાગ્યું.
પહેલાં મોબાઇલ નહોતા, છતાં પશાકાકાને કૂતરૂં કરડવાથી લઈને ચંપાડી કો'ક સાથે ભાગી ગયાના સમાચારો તરોતાજા વિનામૂલ્યે મળી જતા! ઘણાં છાપાં તો એવાં હતાં કે એવા સમાચાર આઠદશ માણસોના કાનમાં કોઈને નહીં કહેવાની શરતે નાખે નહીં ત્યાં સુધી એને ઝાડો થાય નહીં!
એટલે નાનકડા કોલવડા ગામમાં 'દૂધની ડેરીએ જયંતિ અને સુમિત્રા હસીહસીને વાતો કરતાં'તાં' અને બીજી ઘણી મરચું-મીઠું ભભરાવીને વાતો સુમિત્રાની મમ્મી પાસે આવી. સુમિત્રા પર પાબંધી લાદવામાં આવી. સાંજે ડેરીમાં દૂધ ભરવાની વેળા થતાં સુમિત્રાએ પાણીનો લોટો ભર્યો. સુમિત્રાની મમ્મી સાથે ગઈ. બે-ચાર દિવસ આવું ચાલ્યું, પરંતુ રોજ રોજ દીકરી સાથે જવાથી સુમિત્રાની મા પણ કંટાળી. સુમિત્રાને ફરી સ્વતંત્રતા મળી. ગામ આખામાં ખબર પડી ગઈ હોવાથી હવે તો બીજા યુવાનોની વાસનાભૂખી નજરો સુમિત્રા પર મંડરાવા લાગી.
સુમિત્રાને લાગ મળતાં તે ડેરીમાં જયંતિની મળી. જયંતએ સુમિત્રાને ડેરીની કેશમાંથી 1000 રૂપિયા આપ્યા. સુમિત્રાને તો પૈસા ગમતા જ હતા. પણ એ પૈસા સુમિત્રાને આપતાં વીનુકાકી જોઈ ગયાં. બસ, સુમિત્રાની પાછળ પાછળ 1000 રૂપિયાની વાત પણ એની મા પાસે પહોંચી ગઈ!
સુમિત્રાની માએ સુમિત્રાને ધોઈ નાખી. સુમિત્રાની ઝડતી લીધી, પણ 1000 રૂપિયા ના મળ્યા! ઘરનું વાતાવરણ વધુ તંગ બન્યું.
આ બાજુ જયંતિનાં ભાઈ-ભાભી પણ જયંતિ પર ખીલે ભરાયાં હતાં, એવામાં ડેરીના મેનેજરે 1000 રૂપિયાની કેશ ઘટતાં જયંતિના ભાઈ પાસે માગણી કરી. આમ જ બાર સાધતાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી, ત્યાં હજાર રૂપિયા ક્યાંથી લાવવા!
જયંતિને સુમિત્રા પર ગુસ્સો આવ્યો. એણે 1000 રૂપિયાની વાત કેમ જાહેર કરી? જયંતિ સુમિત્રાની ઘેર ગયો ને 1000 રૂપિયા પરત આપવા કહ્યું. સુમિત્રા બે બાજુએથી સાણસામાં આવી. એણે કહ્યું, 'તેં મને પૈસા આપ્યા જ નથી તો ક્યાંથી આપું?'
જયંતિ રાત્રે ઊંઘી ના શક્યો. જયંતિનું મન હવે નકારાત્મક વિચારે ચડ્યું હતું. એણે કંઈક નિર્ણય કર્યો ને બીજા દિવસે ગાંધીનગર જઈ ચપ્પુ ખરીદી લાવ્યો! જયંતિના મગજમાં 'કાં'તો એ નહીં ને કાં'તો હું નહીં' - એવા નિર્ણય સાથે સુમિત્રાની રાહ જોતો તળાવની પાળે બેઠો. સાંજે લોટો લઈને એ સંડાસ જવા આવી. સુમિત્રાને જોતાં જ જયંતિનો માંહ્યલો બદલો લેવા તાપી રહ્યો. એણે સુમિત્રાને ઊભા રહેવા કહ્યું, પણ એ તો ચાલવા જ માંડી. ને.. ને.. ખૂન્નસે ભરાયેલા જયંતિએ સુમિત્રાની પીઠ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા કરી દીધા! એ નીચે પડી. તરફડતી સુમિત્રાની પેટ પર ચપ્પુના ઘા કરી સુમિત્રાને મોતને હવાલે કરી, જયંતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. એણે પોતાનો ગુનો કબુલ કર્યો.
જયંતિને જન્મટીપની સજા થઈ!
સાબરમતી જેલમાં જન્મટીપની સજા ભોગવતા કેદીઓના હૃદયમાં સંવેદનાના દીવડા પેટાવી, એમના મનમાં પેદા થયેલા વગરનાં વળામણાં કરાવી, એને ફરી સારા માણસ તરીકે સમાજમાં પ્રસ્થાપિત કરવાની સ્વૈચ્છિક કામગીરી કરવાના મારા ઉમંગે મને જયંતિની મુલાકાત કરાવી. જેલ સુપ્રિટેન્ડન્ટ શ્રી પંડ્યા સાહેબના સહકારથી હું અનેક ખૂનીકેદીઓનાં હૈયે સદભાવના જગાડી, મનની વેરભાવનાના અગ્નિસંસ્કાર કરાવવામાં સફળ થયો છું.
જયંતિ સાથેની પહેલી મુલાકાતમાં જ એણે પોતાની કિડની મોતના બિછાને સૂતેલા કિડનીની જરૂરવાળાને આપવાની ઈચ્છા જાહેર કરી. જેલવિભાગની પરમિશન મળી ને જયંતિની કિડની દ્વારા કાન્તાબહેનને જીવતદાન મળ્યું. આમ પણ જયંતિની ચાલચલગતનો જેલ રિપોર્ટ ખુબ સારો જ હતો.
જયંતિના હૃદયપરિવર્તનથી જેલ અધિકારીઓ પણ ખુશ હતા. હું અવારનવાર કેદીઓની મુલાકાત લેતો. એક વખત પંડ્યા સાહેબે કહ્યું, 'જયંતિ હવે સમાજમાં ફરીથી સારા માણસ તરીકે પુનઃ સ્થાપિત થાય તેવી વ્યવસ્થા કરવી પડશે, આવતા મહિને જયંતિની સજા માફ થવાથી એ જેલમાંથી છૂટશે!
જયંતિ કરતાંય મને વિશેષ આનંદ થયો! હું કોલવડા ગામમાં જઈ મનસુખ દરજીને મળ્યો. એનું હૃદયપરિવર્તન કરી શકવાની મારી ક્ષમતાનો મને સાક્ષાત્કાર થયો.
જયંતિને જેલના દરવાજે આવકારવા હું અને જયંતિના મોટાભાઈ ઊભા હતા. જેલની તોતિંગ દિવાલોની અંદર વેરભાવ ધરબીને બહાર નીકળેલા જયંતિ પ્રત્યે ક્ષમા બક્ષવા મનસુખ દરજી પણ એમનાં પત્ની સાથે આવી પહોંચ્યા. જયંતિ પણ દરજી દંપતીના પગમાં પડ્યો!
વેરનાં વળામણાંનો સાક્ષી એવો હું એમને પોતાને ગામ જતા સજળ નેણે જોઈ હરખ અનુભવી રહ્યો.
આજે કોલવડા ગામે જયંતિ પોતાના પરિવાર સાથે સંતોષની જિંદગી જીવે છે!
No comments