"દાંદી નું હ્રદય" ધીરેન પંચાલ
દાદીનું હૃદય
લેખક : ધિરેન પંચાલ
ગયા અઠવાડિયે
હું ને મારી મમ્મી,
દાદીને લઈને દવાખાને ગયાં હતાં.
ડૉક્ટરે તપાસીને કહ્યું હતું કે
દાદીનું હૃદય બહુ કોમળ છે, સાચવજો.
ગઈ કાલે સવારે
પપ્પા મમ્મીને લઈને દવાખાને ગયા હતા,
સાથે હું પણ.
પણ દાદીને લઈને ગયા એ દવાખાનામાં
અને આ દવાખાનામાં બહુ ફરક લાગ્યો હતો.
ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કહ્યું.
ગઈ સાંજે પપ્પા, મમ્મી અને દાદી
કોઈક વાત પર ચર્ચા-દલીલો કરી રહ્યાં હતાં.
દાદી વારે વારે પપ્પા-મમ્મીને કહેતાં હતાં કે,
હું કહું છું એમ જ થશે.
મારી વાત તો તમારે માનવી જ પડશે.
નહિતર...
ડૉક્ટરે કહેલું યાદ છે ને?
એટલે પપ્પાએ દલીલો કરવાનું બંધ કરી દીધું
ને
મમ્મીએ મારા તરફ જોયું
ને એના ગળાનો ડુમો વધારે ઘેરો બન્યો.
મને ઊંઘમાં આવી આછી-પાતળી જ ખબર પડી.
આજે સવારથી જ
મમ્મી બહુ રડ્યા કરતી હતી,
જાણે કે કોઈ શોક ન હોય!
ગઈ કાલવાળા દવાખાને અમે પહોંચ્યાં.
ડૉક્ટરે મમ્મીને એક અંધારા રૂમમાં લઈ જવાનું કહ્યું.
જ્યાં દવાખાનાવાળાઓએ
હાથ-મોં પર સફેદ મોજાં પહેર્યાં હતાં.
મારી દાદી પણ
મારી મમ્મીને મોજાં-સ્વેટર-સ્કાર્ફ...
એવું પહેરવાનું કહેતી હતી,
બે-ત્રણ મહિના પહેલાથી.
મમ્મી હજુ ય રડ્યા જ કરતી હતી.
પપ્પા એને સમજાવતા હતા.
મમ્મીને જેના પર સુવાડી હતી,
એ પૈડાંવાળી લારી આગળ ધકેલાતી જતી હતી.
મને કંઈ જ ખબર નહોતી પડતી.
મમ્મીને જોઈને મને ય મજા નહોતી આવતી.
પણ મમ્મીએ છેલ્લે...
એનો હાથ મને અડે એમ
એના પેટ પર હાથ ફેરવ્યો...
ત્યારે મને બહુ ગમ્યું હતું.
ને એ બોલી હતી,
"દીકરી મને માફ કરજે."
મને કંઈ જ ખબર નહોતી પડતી.
...પણ એટલી ચોક્કસ ખબર પડી કે,
જો દાદી આજે દવાખાને આવ્યાં હોત તો
એ આ બધું જોઈ ન શકતાં.
ડૉક્ટરે કહ્યું હતું ને કે
દાદીનું હૃદય બહુ કોમળ છે, સાચવજો.
No comments