"ભગવાન નું સૉંપેલૂ કામ" દશરથ પંચાલ
"ભગવાનનું સોંપેલું કામ"
લેખક : દશરથ પંચાલ
એક વખત નારદજી 'નારાયણ... નારાયણ...' કરતા વિચરણ કરી રહ્યા હતા ત્યારે એમણે એક મંદિરના પ્રાંગણમાં કેટલાક ભાવિક લોકોને ધૂન ગાતા જોઈ નારદજીના મનમાં વિચાર આવ્યો કે, આ ગ્રામજનો એમના કામમાંથી વરસે દહાડે ફુરસદ મળે ત્યારે એકાદ વખત ભગવાનનું ભજન કરી લે છે, જ્યારે હું તો રાતદિવસ સતત નારાયણ... નારાયણ.. ના જાપ જપું છું. તેથી આ જગતમાં મારા જેટલી પ્રભુભક્તિ કોઈ કરતું નથી. આ વાત મારે ભગવાનના મુખેથી સાંભળવી છે.
નારદજીના મનમાં અહં પેદા થયો હતો. નારદજી તો હાથમાં એકતારો લઈ 'નારાયણ.. નારાયણ..' જપતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. એમણે ભગવાનને પૂછ્યું: 'પ્રભુ આ જગતમાં આપનો પરમ ભક્ત કોણ?'
નારદજીને થયું કે, પ્રભુના મુખમાંથી મારા નામનો જ પરમ ભક્ત તરીકે ઉલ્લેખ કરાશે! પણ ભગવાન નારદજીના મનમાં જાગેલા ગુમાનને જાણી ગયા હતા. એમણે નારદજીને કહ્યું, આમ તો આ જગતમાં મારા અનેક ભક્તો છે, એમાંથી કોનાં કોનાં નામનો ઉલ્લેખ કરૂં? '
નારદજી તો આ સાંભળી મનમાં ને મનમાં સમસમી ગયા. એમને થયું કે, ભગવાન સીધેસીધું મારૂં નામ કેમ બોલી દેતા નથી! એમણે ભગવાનને સવાલ કર્યો :' પ્રભુ, આ જગતમાં રહેલા આપના તમામ ભક્તોમાંથી પરમ ભક્ત કોણ છે? '
ભગવાને થોડી વાર થોભી નારદજીને કહ્યું :' નારદજી, આ જગતમાં ભારતની ધરતી પર અમુક ગામમાં રહેતો એક ખેડૂત મારો પરમ ભક્ત છે. '
ભગવાને પોતાના નામને બદલે કોઈ અજાણ્યા ખેડૂતને પરમ ભક્ત તરીકે જાહેર કર્યો એટલે નારદજી ઘડીભર અવાક બની ગયા. નારદજીએ ભગવાનને કહ્યું :' પ્રભુ, મારે આપના એ પરમ ભક્તની ભક્તિનું મૂલ્યાંકન કરવું પડશે.'
ભગવાને નારદજીને કહ્યું, 'ખુશીથી મૂલ્યાંકન કરો.'
નારદજી તો ભગવાનની વાતથી મનમાં ઉકળી રહ્યા હતા. તેઓ તરત પૃથ્વી પરના ભગવાનના પરમ ભક્તની પરીક્ષા લેવા ઉપડ્યા. મનમાં ઉદભવેલો ગુસ્સો સારાસારનું ભાન ભુલાવી દે છે. નારદજી ભગવાને જણાવેલા એમના પરમ ભક્તના ગામને પાદરે આવી વૃદ્ધ બ્રાહ્મણના વેશે પેલા ખેડૂતનું ઘર પૂછતા પૂછતા પહોંચ્યા. સાંજ પડી હતી. પેલો ખેડૂત ખેતરેથી પોતાના બળદ સાથે ઘરે આવી હાથપગ ધોઈ રહ્યો હતો, ત્યાં નારદજીએ વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં પ્રવેશ કર્યો.
ખેડૂતે પોતાના ઘરે વૃદ્ધ બ્રાહ્મણને પધારેલા જોઈ એમનું ઊભા થઈ સ્વાગત કર્યું. ખેડૂતની પત્નીએ ખાટલો ઢાળી એના પર મહેમાનને પાથરી આપતા તે ગાદલું પાથરી, પાણી આપ્યું. ચૂલા પર ગરમ કરેલા પાણી વડે ખેડૂતે વૃદ્ધ બ્રાહ્મણના ચરણ પખાળ્યા. ખેડૂતે ફાનસ પેટાવી ને પાટલા પર બેસાડી વૃદ્ધ બ્રાહ્મણને વાળુ કરાવ્યું. ખેડૂત પોતાનાં ગાય-બળદને ઘાસનું નીરણ કરી પત્ની સાથે આવતીકાલના ખેતીકામની ચર્ચા કરી પથારીમાં આડો પડતાં પહેલાં એક વખત ભગવાનનું નામ લીધું ને પાંચેક મિનિટમાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો!
બીજા દિવસે વહેલી સવારે ખેડૂત પથારીમાંથી બેઠો થયો. ભગવાનનું એક વખત નામ લીધું ને બળદ લઈ ખેતરે ગયો. બપોર સુધી ખેતરે કામ કરી, બળદને ઘાસચારો નીરી, પાણી પીવડાવી પોતે રોટલા ખાવા બેઠો. અનાજનો કોળિયો મોંમાં મૂકતાં પહેલાં એણે એક વખત ભગવાનનું નામ લીધું. જમીને થોડો વિસામો લઈ ખેડૂત ફરીથી ખેતીકામમાં લાગી ગયો. સાંજ પડી, ઘરે આવીને બળદને ઘાસચારો નીરી, હાથપગ ધોઈ વાળુ કરી, પથારીમાં આડો પડતાં પહેલાં એક વખત ભગવાનનું લીધું ને પાંચેક મિનિટમાં તો એ ઘસઘસાટ ઊંઘતા લાગ્યો!
નારદજીએ આખા દિવસની ખેડૂતની દિનચર્યા ઉપર નજર રાખી હતી. આખા દિવસમાં ખેડૂતે માત્ર ત્રણ વખત જ ભગવાનનું નામ લીધું હતું! નારદજી ત્રણ દિવસ સુધી ભગવાનના એ પરમ ભક્તનું મૂલ્યાંકન કરતા રહ્યા. આખા દિવસમાં માત્ર ત્રણ વખત ભગવાનનું નામ લેતા મેલાઘેલા ખેડૂતને ભગવાન એમનો પરમ ભક્ત કેવી રીતે ગણાવે છે તે નારદજીના અહંકારના આવરણ હેઠળ ઉકળતા મનમાં સમજાયું નહીં. નારદજી ધૂંઆફૂંઆ થતા ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન નારદજીની મનોસ્થિતિ જાણી ચૂક્યા હતા. નારદજી કોઈ પણ રજૂઆત કરે તે પહેલાં ભગવાને કહ્યું : 'બ્રહ્મર્ષિ, આપ પૃથ્વી પર પ્રવાસ કરી આવ્યા એટલે થાક્યા હશો. થોડો સમય આપ આરામ કરો, પછી આપણે મળીશું! '
નારદજી તો કચવાતા મને વિદાય થયા! થોડા સમય પછી એક દિવસ નારદજીને બોલાવી કહ્યું :' નારદજી, સ્વર્ગમાં એક ગંભીર પ્રકારની બિમારી પ્રસરવાના વાવડ છે. એના નિરાકરણ રૂપે આ તેલથી છલોછલ ભરેલા કટોરાને લઈ સ્વર્ગ ફરતે પરિક્રમા કરવામાં આવે તો સર્વે દેવીદેવતા બચી શકે, પણ ધ્યાન રહે કે છલોછલ ભરેલા કટોરામાંથી તેલનું ટીંપુય નીચે પડવું ન જોઈએ! મને લાગે છે કે આ કામ તમારા સિવાય બીજું કોઈ સારી રીતે પાર પાડી શકશે નહીં.'
નારદજીએ એકતારો બાજુમાં મૂક્યો અને તેલથી છલોછલ ભરેલા કટોરાને હાથમાં લઈ ખૂબ કાળજીપૂર્વક સ્વર્ગની પ્રદક્ષિણા કરી થાકીને લોથપોથ થતા પરત આવ્યા.
નારદજીએ હેમખેમ પ્રદક્ષિણા પૂરી કરી એટલે ભગવાને પ્રસન્નતા અનુભવી. ભગવાને નારદજીનાં વખાણ કરતાં પડ્યું, 'નારદજી, પ્રદક્ષિણા તમે કરી આવ્યા, એ પ્રદક્ષિણા દરમિયાન તમે મારૂં સ્મરણ કેટલી વખત કર્યું?'
'અરે પ્રભુ! કેટલી કાળજીપૂર્વક મેં છલોછલ ભરેલા કટોરામાંથી તેલનું ટીંપુય છલકાવ્યા વગર પ્રદક્ષિણા પૂરી કરી છે તે હું જાણું છું. જો હું આપની ભક્તિ કરવામાં મારૂં ચિત પરોવું તો કટોરો છલકાઈ ગયા વગર ન રહે, એટલે એક વખત પણ આપનું સ્મરણ કરી શક્યો જ નથી.' નારદજીએ પોરસાતા મને પ્રભુને જવાબ આપ્યો.
પ્રભુએ કહ્યું : 'નારદજી, પેલા ગામડાના ગરીબ ખેડૂતને પણ મેં સોંપેલું એના પરિવારના ભરણપોષણનું કર્તવ્ય પરસેવો પાડીને બજાવતાં બજાવતાં દિવસમાં ત્રણ ત્રણ વખત મારૂં સ્મરણ કરવાનું ભૂલતો નથી!'
આ સાંભળતાં જ નારદજીનો ભક્તિનો મદ ઓગાળીને મીણ બની ગયો!
મિત્રો, આપણને સૌને ભગવાને જે કંઈ કર્તવ્ય બજાવવાની જવાબદારી સોંપી છે, એને પૂર્ણ નિષ્ઠાથી નિભાવતાં નિભાવતાં પ્રભુ સ્મરણ કરતા રહીએ.
No comments