"અમારાં કુળ મા કોંઈ અકાળે મરતું નથી" દશરથ પંચાલ
"અમારા કુળમાં કોઈ અકાળે મરતું નથી"
લેખક : દશરથ પંચાલ
પહેલાંના સમયમાં શાળાઓ ન હતી, ગુરુકુળ હતાં. એમાં શિક્ષકો નહીં, ઋષિમુનિઓ અક્ષરજ્ઞાન સાથે જીવનરિતીનું શિક્ષણ પણ આપતા. મોટેભાગે બ્રાહ્મણ અને વણિકના છોકરાઓ એમાં ભણવા આવતા. આવાં ગુરુકુળમાં છાત્રનિવાસ ફરજિયાત હતું. આવાં ગુરુકુળ ભિક્ષાવૃતિથી ચાલતાં. એમાં કોઈ પ્રકારની ફી ન લેવાતી, પરંતુ ગુરુકુળનું શિક્ષણ પુરૂં થાય ત્યારે યથાશક્તિ ગુરુદક્ષિણાના રૂપમાં અનાજ વગેરે સ્વીકારાતું. નાણાંનું ચલણ નહીંવત્ હતું.
આવા ગુરુકુળમાં દૂરના ગામનો એક બ્રાહ્મણપુત્ર નવોસવો શિક્ષા મેળવવા આવેલો. બ્રાહ્મણપુત્ર વિનયી, વિવેકી અને આજ્ઞાંકિત હોવાથી સૌનો પ્રિય બની ગયો હતો.
એક દિવસ એક બાળક અચાનક માંદો પડ્યો. ગુરુજીએ ઘણી સારવાર કરી પણ બીજા દિવસે તેનું મૃત્યુ થયું. આખા ગુરુકુળમાં શોકનું મોજું ફરી વળ્યું. પેલા બ્રાહ્મણપુત્રના મનમાં સંશય થયો. બાળકનો જન્મ થાય, તે ગુરુકુળમાં શિક્ષા મેળવે, યુવાન થતાં તેનાં લગ્ન થાય, સંતાનોનાં માતા કે પિતા બને અને ખુબ ઘરડાં થયા પછી જ લોકો મૃત્યુ પામે. બાળક કેવી રીતે મરી શકે?
ગુરુજીએ બ્રાહ્મણપુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ બ્રાહ્મણપુત્રએ કહ્યું, 'ગુરુજી, બાળક અવસ્થામાં કોઈનું મૃત્યુ થતાં મેં જોયું જ નથી. અમારા કુળમાં કોઈ અકાળે મરતું જ નથી.'
ગુરુજીના બ્રાહ્મણપુત્રની વાતથી આશ્ચર્ય થયું. એમણે બ્રાહ્મણપુત્રના ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું ને ચારપાંચ બાળકો સાથે બ્રાહ્મણપુત્રના ગામ ભણી ચાલી નીકળ્યા. રસ્તામાં એક સ્મશાન આવ્યું, ત્યાંથી થોડાં અસ્થિ લઈ એક કુંભમાં મુકી સાંજ પડ્યે પેલા બ્રાહ્મણપુત્રના ગામ પહોંચી પૂછતાં પૂછતાં બ્રાહ્મણપુત્રના ઘેર ગયા. ગુરુજીએ સાથે લીધેલાં બાળકોને શીખવ્યા પ્રમાણે સૌ પોળ મૂકીને રડવા લાગ્યા.
બ્રાહ્મણપુત્રનાં વૃદ્ધ દાદા-દાદી ઘરે હતાં, એમણે પોતાના આંગણે રડતાં બાળકો અને ગુરુજીને રડવાનું કારણ પૂછ્યું. ગુરુજીએ રડતાં રડતાં કુંભમાંનાં અસ્થિ બતાવતાં કહ્યું, 'તમારો પૌત્ર ખુબ વિનયી અને વિવેકી હતો, બે દિવસની બિમારીમાં એનું અવસાન થયું છે. આ એનાં અસ્થિ છે' - એમ બોલતાં જ બાળકો સાથે ગુરુજીએ પોક મૂકી!
વૃદ્ધ દાદા-દાદી આ વાત માનવા તૈયાર ન હતાં, ઉલ્ટીના તેઓ બાળકો અને ગુરુજીને પાણી આપી શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ગુરુજી અને બાળકો અગાઉથી શીખવ્યા પ્રમાણે બ્રાહ્મણપુત્રનાં વખાણ કરતાં રડી રહ્યા હતા. એવામાં ખેતરેથી માથા પર ઘાસના ભારા ઉપાડી બ્રાહ્મણપુત્રનાં માતાપિતા આવી પહોંચ્યાં. તેઓ પણ પોતાના પુત્રનું અકાળે અવસાન થવાની વાતને માનવા તૈયાર ન થયાં ને બાળકોને તેમજ ગુરુજીને શાંત પાડી તેમની આગતા-સ્વાગતા કરવા લાગ્યાં.
ગુરુજીના આશ્ચર્યનો પાર ન હતો. પોતાનો પુત્ર કોઈ કાળે મૃત્યુ પામે જ નહીં, એવા બ્રાહ્મણપુત્રનાં માતાપિતા અને દાદા-દાદીના અડગ આત્મવિશ્વાસે ગુરુજીને હચમચાવી મૂક્યા હતા.
બ્રાહ્મણપુત્રનાં માતાએ લાપસીનાં ભોજન જમાડી, આખો દિવસ ચાલીને આવેલા ગુરુજી અને બાળકોને ઢોલિયા ઢાળી આપ્યા. હવે ગુરુજીથી ના રહેવાયું. એમણે પૂછ્યું, 'અમે ક્યારના રહીએ છીએ છતાં તમે તમારા દીકરાના મૃત્યુને સ્વીકારતા કેમ નથી?'
બ્રાહ્મણપુત્રના દાદાએ કહ્યું, 'ગુરુજી પેઢીઓથી અમારા કુળમાં કોઈ અકાળે મરતું જ નથી!'
'અકાળે ન મરવાનું કારણ શું?' જે રહસ્ય જાણવા આવ્યા હતા તે પ્રશ્ન ગુરુજીએ પૂછ્યો.
દાદાએ કહ્યું: 'અમારા કુળમાં પેઢીઓથી થોડાક નિયમો ચૂસ્તપણે પાળવામાં આવે છે, અને તેથી અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે, અમારો દીકરો અકાળે અવસાન પામે જ નહીં.'
ગુરુજીને તો એ રહસ્ય જાણવાની તાલાવેલી હતી. એમણે કહ્યું,' આપનો દીકરો ગુરુકુળમાં ક્ષેમકુશળ છે. આપના કુળમાં કોઈ અકાળે મરતું જ નથી, એવા આપના પૌત્રના વાક્યે અમને એનું રહસ્ય જાણવા અહીં આવવા પ્રેર્યા છે. હવે આપ આપના કુળમાં કોઈ અકાળે કેમ મરતું નથી તેનું રહસ્ય જણાવવા કૃપા કરો.'
દાદાએ કહ્યું : 'અમારા કુળમાં દસ નિયમોનું પાલન કરવામાં આવે છે, તેથી અમારા કુળમાં કોઈ અકાળે અવસાન પામતાં નથી.
(૧) અમે હમેશાં સાચું બોલીએ છીએ.
(૨) અમે ચોરી કરતા નથી.
(3) અમે કોઈ જાતનું વ્યસન કરતા નથી.
(૪) અમે જુગાર રમતા નથી.
(૫) અમે સૌની સાથે સંપથી રહીએ છીએ.
(૬) અમે કોઈને ગાળ આપતા નથી.
(૭) અમે રોજ સવાર-સાંજ અમારા ઈસ્ટદેવની પ્રાર્થના કરીએ છીએ.
(૮) અમે માંસાહાર કરતા નથી.
(૯) અમે મહેનતનો રોટલો ખાઈએ છીએ.
(૧૦) અમે જીવમાત્ર પર દયા રાખીએ છીએ.
આ સામાન્ય દસ નિયમો સહજ રીતે પાળતાં અમે આનંદ અને સંતોષપૂર્વક સાદાઈથી રહીએ છીએ અને તેથી અમારું સંસારજીવન સુખમય પસાર થાય છે.'
વૃદ્ધ દાદાનાં અમૂલ્ય દસ વચનો ગાંઠે બાંધીને એને આત્મસાત્ કરી ગુરુકુળમાં રહેતાં બાળકોમાં એનું સિંચન કરવાના નિર્ધાર સાથે વળતી સવારે ગુરુજીએ બાળકો સાથે વિદાય લીધી.
No comments