"ગોફણ નો ધા" દશરથ પંચાલ
"ગોફણનો ઘા"
લેખક : દશરથ પંચાલ
એક કસ્બાની વ્યાખ્યામાં આવે એવડું ગામ. એમાં દરેક કોમના લોકો ભાઈચારાથી રહે. દરેક વ્યવસાયીઓ અને વેપારી પેઢીઓએ પણ પોતાની શાખ જમાવેલી. કસ્બા ફરતાં અનેક ગામના ખેડુતો પોતાના પાકનું ઉત્પાદન વેચવા અને જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા આવતા.
આ કસ્બામાં એક નાનો ખેતમજૂર રહેતો. કસ્બા નજીકથી એક નદી વહેતી હતી. ખેતમજૂર જે ખેડૂતના ખેતરમાં કામ કરતો, એણે સલાહ આપી કે, 'નદીના કાંઠે એકાદ વીઘો જમીન પડતર પડી છે એમાં રહેલાં ઝાંખરાં-બાંટવાં ખોદી નાખી આવતા ચોમાસામાં બાજરો વાવજે, તારા પરિવારને જરૂરી અનાજ મળશે ને તું મારા ખેતરમાં મજુરી કામ કરીશ તેના બે પૈસાની બચત પણ થશે.'
ઉનાળાના દિવસોમાં ખેતમજૂરે તનતોડ મહેનત કરીને એ પડતર જમીનને ખેડવા લાયક બનાવી દીધી. અષાઢ મહિનો આવ્યો ને વાવણી લાયક વરસાદ થયો. ખેતમજૂરે ખેડૂતના હળ અને બળદ લાવી બાજરો વાવ્યો. ચોમાસુ જામ્યું, નવોડ જમીન હોવાથી બાજરો ફાલ્યોફુલ્યો! ખેતમજૂર અને તેની પત્ની પોતાની મહેનતને હરિયાળી રૂપે લહેરાતી જોઈ આનંદ અનુભવતાં. બાજરો પાંચેક ફુટ ઊંચો થયો હતો એટલે ખેતર વચ્ચે લાકડાંનો માંચડો બનાવી તેના ઉપર બેસીને ખેતમજૂર એની રખેવાળી કરતો.
હવે બાજરાના છોડ પર ડુંડાં બેસવા લાગ્યાં હતાં, તેથી પક્ષીઓ બાજરો ચણવા આવવા લાગ્યાં. ખેતમજૂર વહેલી સવારે ગોફણ લઈ પક્ષીઓને ઉડાડવા જતો. પોતાના નવા ખેતરમાં બાજરાનો સારો પાક થશે, એવા ઉમંગથી ખેતમજૂરની પત્ની પોતાના પાંચેક વરસના દીકરાને લઈ, પરોઢિયે પક્ષી ઉડાડવા ગયેલા પતિ માટે શિરામણ લઈને ખેતરે જતી. ખેતરમાં લહેરાતા બાજરાને જોઈ પતિ-પત્ની હરખાતાં. આ દરમિયાન નાનો બાળક પક્ષીઓને ઉડાડવા ગોફણમાં ભરાવી ઘા કરવા એકત્ર કરેલ નાના પથ્થરની ઢગલીમાંથી પોતાને ગમતો એક ગોળમટોળ પથ્થર વડે રમતો હતો. પતિને શિરામણ કરાવી પત્ની બાળકને લઈ ઘર તરફ ચાલી. બાળક પોતાના હાથમાં રહેલા નાના પથ્થરને ઉછાળતો માતાની પાછળ ચાલતો હતો. કસ્બાની બજારમાં પથ્થર ઉછાળતા જતા બાળકને એક ઝવેરીએ બોલાવી ચોકલેટના બદલામાં પથ્થર આપવા કહ્યું, પણ બાળકને એ પથ્થર ગમતો હતો તેથી ના આપ્યો. થોડા આગળ જતાં બીજી ઝવેરીની દુકાન આવી. એણે પથ્થર જોયો ને બાળકની માને કહ્યું : 'આ પથ્થર મને આપો, હું સો રૂપિયા આપું.'
હવે બાળકની માતાએ વિચાર્યું કે, પેલો ઝવેરી એક ચોકલેટના બદલામાં એ પથ્થર માગતો હતો, ને આ એના સો રૂપિયા આપવા તૈયાર થયો છે તો આ પથ્થર જેવો તેવો નહીં હોય! એણે પેલા ઝવેરી સાથે ખુબ રકઝક કરી ને એ પથ્થર એક લાખ રૂપિયામાં ઝવેરીને આપ્યો. એણે ઝવેરીને પૂછ્યું કે, 'આ પથ્થરમાં એવું તે શું છે કે તેના એક લાખ રૂપિયા તમે આપ્યા? '
પેલા ઝવેરીએ કહ્યું :' આ પથ્થર નથી, સાચો હીરો છે! '
આ સાંભળતાં જ તે બાળકને પોતાની કાખમાં તેડી ઉતાવળે પગલે પાછી ખેતર પહોંચી. પતિ તો બાજરાના ડુંડાં દાણા ખાવા આવતાં પક્ષીઓને ઉડાડવા પથ્થરને ગોફણમાં ભરાવી ફંગોળતો હતો. પત્નીએ પતિને રોકતાં પૂછ્યું :' અહીં પથ્થરની ઢગલી હતી તે ક્યાં ગઈ? '
પતિએ કહ્યું :' એ બધા પથ્થરો તો ગોફણના ઘા કરી ફેંકી દીધા! '
પત્નીએ માથું કૂટતાં કહ્યું,' એ પથ્થર નહોતા, એક એક લાખ રૂપિયાના હીરા હતા. ચાલો, તમે ફેંક્યા હોય એ દિશામાં શોધીએ.'
'પણ એ ગોફણથી ફેંકેલો પથ્થર તો વહેતી નદીમાં જઈ પડે છે! ' પતિએ પણ પસ્તાવો કરતાં કપાળ કૂટ્યું!
પણ હવે ગોફણના ઘાથી ફેંકાઈ ગયેલા સાચા હીરા પાછા મળી શકે તેમ ન હતા. કારણ કે એને તો પથ્થર માની સનનન અવાજ સાથે ફેંકી દીધા હતા.
માટે, દરેક માબાપને મારી વિનંતી છે કે, આપનું બાળક સાચો હીરો જ છે. એને ઝવેરી તરીકે શાળાના શિક્ષકો મૂલ્યાંકન કરશે. તમારૂં બાળક ગોફણના ઘામાં ફંગોળાઈ ન જાય તે માટે શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહીને બાળકની ઋચિ પ્રમાણે એની પ્રગતિ થાય તેવો પ્રયાસ કરજો.
No comments