three columns

Breaking News

"યજ્ઞનાં સમિધ થવાનું સદભાગ્ય"

"યજ્ઞનાં સમિધ થવાનું સદભાગ્ય"
લેખક : દશરથ પંચાલ
વડોદરા પાસે મહીસાગર નદીનાં કોતરોમાં નવસાધ્ય કરી એમાં સમાજથી હડધૂત થયેલાં, મરવાને વાંકે જીવતી લાશો સમાન રક્તપિત્તનાં દર્દી ભાઈબહેનો તેમજ એમનાં તંદુરસ્ત બાળકો માટે પુનર્વસન કાર્ય કરતી સંસ્થા સાથે હું  મારાં પત્ની અને બે બાળકો સાથે 1980 માં જોડાયેલો.
મારું કામ અલગ ડોર્મેટરી (હોસ્ટેલ) માં રહેતાં તંદુરસ્ત બાળકોના ગૃહપતિ તરીકેનું હતું. બાળકો શાળામાં અભ્યાસ કરવા જાય તે  સમયમાં હું ફાજલ પડતો, એ સમયનો સદુપયોગ કરવા હું સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં રક્તપિત્તનાં દર્દી ભાઈબહેનોની ખબર પૂછવા જતો અને એમની કોઈ મુશ્કેલી હોય તો એને મારી રચનાત્મક સૂઝબૂઝ વાપરી મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો. હોસ્પિટલમાં રક્તપિત્તનાં દર્દી ભાઈબહેનો ડ્રેસિંગ કરાવવા આવતાં. મને જખમના ડ્રેસિંગની તાલીમ લેવાનું મન થયું ને એકાદ અઠવાડિયામાં મેં ડ્રેસિંગ કામમાં નિપૂણતા કેળવી લીધી.
એક દિવસ હોસ્પિટલમાં હું બિછાને સુતેલા દર્દીઓના ખબર અંતર પૂછી રહ્યો હતો. ત્યાં મારી મુલાકાત એક પલંગ પર વાંકી વળી ગયેલી આંગળીઓને પ્લાસ્ટિક સર્જરી દ્વારા સીધી કરાવવાની સર્જરી માટે દાખલ થયેલી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની દસમા ધોરણમાં અભ્યાસ કરતી મીનાક્ષી લક્ષ્મણભાઈ રાવળ નામની દીકરી સાથે થઈ.
મીનાક્ષીના પિતા લક્ષ્મણભાઈ ગામેગામ ફરી પીતળનાં વાસણોને કલાઈ (પીતળનાં વાસણોને રજત જેવો ઢોળ ચલાવવાનું કામ) કરતા ને પોતાનાં પત્ની-બાળકોનું ભરણપોષણ કરતા. પોતાની એક માત્ર દીકરીને રક્તપિત્ત રોગના કારણે બંને હાથની વાંકી વળી ગયેલી આંગળીઓને પ્લાસ્ટિક સર્જરીનું ઓપરેશન કરાવવા આવેલા. આ ઓપરેશન તેમજ તે પછીની કસરત માટે મીનાક્ષીને ત્રણ માસ સુધી અહીં રહેવું જરૂરી હતું.
કલાઈકામ કરતા લક્ષ્મણભાઈ માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એમને આટલા બધા સમય માટે કામધંધો બંધ કરી રોકાવાનું  પોષાય તેમ ન હતું. હું લક્ષ્મણભાઈની મુસીબત સમજી ગયો. મેં લક્ષ્મણભાઈને કહ્યું કે, તમે ચિંતા ન કરશો. મીનાક્ષી ઓપરેશન સિવાયના દિવસોમાં મારા ઘરે રહેશે. એનું ભણવાનું વર્ષ ન બગડે તે માટે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાની તૈયારી પણ હું કરાવીશ. તમારી મીનાક્ષી મારી દીકરી તરીકે મારી સાથે રહેશે, તમે મીનાક્ષીની ચિંતા ન કરશો.
લક્ષ્મણભાઈ મારી વાત સાંભળી રાજી થયા. તેઓ એમના ધંધારોજગારમાં પરોવાયા. મીનાક્ષીના બંને હાથની આંગળીઓની પ્લાસ્ટિક સર્જરીનાં ઓપરેશન સફળ થયાં. ઓપરેશન બાદ નિયમિત કસરત કરવાથી મીનાક્ષીની આંગળીઓ પહેલાં જેવી સરસ થઈ ગઈ! 
ત્રણ માસ દરમિયાન લક્ષ્મણભાઈ અવારનવાર પત્ર લખતા. અમે મીનાક્ષીના કુશળતાના સમાચાર વળતા પત્રમાં જણાવતા.
મીનાક્ષીની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હતી. હવે મીનાક્ષીને હોસ્પિટલની સારવારની જરૂર ન હતી. મીનાક્ષીને લેવા આવેલાં લક્ષ્મણભાઈ અને તેમનાં પત્ની નવો અવતાર પામેલી પોતાની દીકરીને જોઈ ભાવુક બન્યાં. અમે એમને જમાડી મીનાક્ષી સાથે વિદાય કર્યાં.
બે વર્ષ બાદ મીનાક્ષીનાં લગ્નની કંકોત્રી લઈને લક્ષ્મણભાઈ આવ્યા. એમ.એ. થયેલા એક યુવક સાથે મીનાક્ષીની સહજીવન યાત્રા શરૂ થઈ રહ્યાના સમાચાર જાણીને મને મારી પુત્રીનાં લગ્ન હોય એટલો હરખ થયો!
એ પછી મહારાષ્ટ્રથી લક્ષ્મી નામની 21 વર્ષની દીકરી પણ પોતાની આંગળીઓની પ્લાસ્ટિક સર્જરી કરાવવા આવેલી, તે પણ મીનાક્ષીની જેમ જ અમારા ઘેર રહી. આ દીકરીઓની સારવાર કરાવી એમની સંસારયાત્રા સુખમય બને તે માટેની અમને તક મળવાથી અમને દીકરી ન હોવાનો વસવસો થતો નથી.

No comments