three columns

Breaking News

"ઇચ્છા મૃત્યુ" (સત્યઘટના પર આધારિત ) દશરથ પંચાલ

"ઈચ્છા-મૃત્યુ"
(સત્ય ઘટના પર આધારિત )
લેખક : દશરથ પંચાલ
આણંદ તાલુકાનું દાગજીપુરા ગામ. એમાં એક મિસ્ત્રી પરિવાર રહે. મોટાભાઈ દિનેશભાઈ ધંધાર્થે આણંદ રહે. નાનાભાઇ સુરેશભાઈ વૃદ્ધ માતા અને પોતાનાં પત્ની-બાળકો સાથે દાગજીપુરા રહે. દિનેશભાઈને એક દીકરો મિતેશ. નાનકડો મિતેશ દાદીમા પાસે જવાની જીદ કરતો અને તેથી દિનેશભાઈ  મિતેશને લઈદાગજીપુરા જતા અને મિતેશની દાદીમાનો મળવાની જીદ પૂરી થતી. મિતેશ વૃદ્ધ દાદીમાનો લાડકો દીકરો હતો. દાદીમાનો ખોળો ખૂંદીને યુવાન થયેલો મિતેશને અમદાવાદમાં નોકરી મળી, પણ તે આણંદથી અમદાવાદ અપડાઉન કરતો.
યુવાન મિતેશની સગાઈ પણ દાદીમાએ ખુબ હોંશથી કરાવી હતી. આખા પરિવારમાં  મિતેશ જેટલું વહાલ દાદીમા કોઈને ન કરતાં. દાદીમાને એમ થતું કે, 'મારા જીવતાં મિતેશ સપ્તપદીના ફેરા ફરી લે તો સારું.'
દાદીમાની વાત સૌને શિરોમાન્ય હતી. વળી, દાદીમાની તબીયત પણ લથડી ચાલી હતી. વેવાઈપક્ષને પણ દાદીમાની હયાતીમાં મિતેશનાં લગ્ન ઉકેલવા તૈયાર કરવામાં આવ્યો. મુહૂર્ત  જોવડાવ્યું. દાદીમાને તો પથારીમાં પડ્યે પડ્યે પણ મિતેશને પરણાવવાનો ઉમંગ સમાતો ન હતો!
લગ્નનું મુહૂર્ત જેમ નજીક આવતું જતું હતું તેનાથી વધુ દાદીમાની અંતિમ ક્ષણો નજીક આવી રહી હતી.
લગ્નની તારીખ  નજીક આવતી હતી. સૌને એમ જ હતું કે, પથારીવશ દાદીમાનો જીવ મિતેશનાં લગ્ન થઈ જાય અને નવદંપતીને આશીર્વાદ આપવા સુધીની ક્ષણો સુધી ટકવા મથી રહ્યો છે! માગશર મહિનો ઝટ આવે ને મિતેશનાં રંગેચંગે પરણી જાય તો સારું, એમ દાદીમાની રિબામણી જોઈ સૌને લાગતું.
દિનેશભાઈ  ખુબ દ્વિધામાં હતા. મિતેશનાં લગ્ન થઈ જાય અને નવદંપતીને દાદીમાના આશીર્વાદ મળે તે માટે તેઓ ભગવાનને સતત પ્રાર્થના કરતા.
દાદીમાનો જીવ લાડકા મિતેશનાં અટક્યો હતો. તેઓ વારે વારે સુરેશભાઈને પૂછતાં : "ભાઈ, મારા મિતેશનાં લગ્ન ક્યારે છે? હવે કેટલી વાર છે?"
દિનેશભાઈ પણ રોજ દાદીમા પાસે દાગજીપુરા ખબર પૂછવા જઈ આવતા. પોતાની વૃદ્ધ માતાનો જીવ પૌત્ર-લગ્નની લાલસામાં રિબાતો જોઈ બંને ભાઈઓ ખુબ દુ:ખ અનુભવતા. એમાંય વારે વારે 'મારા મિતેશનો લગ્નપ્રસંગ સારી રીતે  સંપન્ન થઈ ગયો ને! હવે વરઘડિયાં ક્યારે આશીર્વાદ લેવા આવવાનાં છે?' -  આ સવાલનો જવાબ આપતાં સૌને મૂંઝવણ થતી.
દાદીમાની રિબામણી જોઈ સૌને થતું કે, દાદીમાને ભગવાન જલ્દી છોડે તો સારું. દિનેશભાઈ હજી હમણાં  જ દાદીમાને મળીને આણંદ ગયા હતા. સુરેશભાઈ દાદીમાને વધુ રિબાતાં જોઈ શકતા નહોતા. એમને થતું કે, જો ઈચ્છા મૃત્યુનો કાયદો હોય તો કેવું સારું!
અચાનક દાદીમાએ આંખ ખોલી, લથડતી જીભે પૂછ્યું : 'તમે જલ્દી જાઓ. મિતેશનાં લગ્ન છે ને!'
સુરેશભાઈએ કહ્યું, 'હા બા. અમે લગ્નમાં જઈએ છીએ. લગ્નવિધિ પૂરી થયા પછી નવદંપતી તમારા આશીર્વાદ લેવા આવશે.'
આ સાંભળી દાદીમાના ચહેરા પર સંતોષ છવાઈ ગયો!
દિનેશભાઈએ મિતેશના સસરાને દાદીમાની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને પંદર દિવસ પછી લગ્નગ્રંથિથી જોડાનાર મિતેશ-સંજનાને વરકન્યાના વેશમાં દાદીમા સમક્ષ ઉપસ્થિત કરી દીધાં!
દાદીમાની આંખો ખુલી. નજર સમક્ષ મિતેશ-સંજનાને જોઈ દાદીમાએ પોતાના આયખાનો સર્વોચ્ચ આનંદ માણ્યો! મિતેશ-સંજનાને આશીર્વાદ આપી દાદીમાનો આત્મા પરમ સંતોષ સાથે સ્થિર થયો. દાદીમાના ચહેરા પરનું સ્મિત એમણે મનમાં ધરબી રાખેલા અભરખાને પૂર્ણ કર્યાનું દર્શન કરાવી રહ્યું!
દાદીમાના હૈયામાં રહેલી નવદંપતીને આશીર્વાદ આપવાની એષણા સંતોષીને દાદીમાના જીવને પરમાનંદ કરાવ્યો. રિબાતાં દાદીમાને ઈચ્છા-મૃત્યુ મળ્યું હોય તેમ લાગતું હતું. દાદીમાએ પરમ સંતોષ માણીને કાયમ માટે આંખ મીંચી દીધી!
મરણપથારીએ પડેલ રિબાતાં વડીલોના મનમાં ધરબાયેલી ઈચ્છાને સંતોષવી એ પણ ઈચ્છા-મૃત્યુ સમાન છે!


લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ -  382480
મો. 8043020104

3 comments

Aadesh Vidyalaya - Porda said...

આકર્ષક. મનોહર બ્લોગ. ખુબ ખુબ ધન્યવાદ.

Aadesh Vidyalaya - Porda said...

આકર્ષક. મનોહર બ્લોગ. ખુબ ખુબ ધન્યવાદ.

HARSHIL H. KAKADIYA said...

તમારો આભાર!