three columns

Breaking News

"સંવેદના" દશરથ પંચાલ

"સંવેદના" (સત્ય ઘટના પર આધારિત)
લેખક : દશરથ પંચાલ
સોરઠ ધરાનું એક નાનકડું ગામ. પોતાની નાનકડી વાડીમાં તનતોડ મહેનત કરી એક દંપતી પોતાના એક માત્ર દીકરા ચંદુ સાથે સંતોષથી દિવસો ગુજારે. નાની ખેતીમાં પુરતી આવક ન મળતાં આ દંપતી અન્ય વાડીમાં પણ મજુરી કરવા જતું. આમેય આજીવન મજુરી લમણે લખાયેલી એટલે જીવ બાળ્યા વગર પેટનો ખાડો પૂરવા સખત પરિશ્રમનો પર્યાય શોધ્યા વગર પોતાનું આયખું ઘસ્યે જતા એ પરિવાર પર એક દિવસ આભ તૂટી પડ્યું!
નાનકડા ચંદુને ખુબ ભણાવી સુશીલ કન્યા સાથે રંગેચંગે પરણાવવાનાં જોયેલાં સમણાં ભાંગીને ભુક્કો થઈ ગયાં! સારસબેલડી ખંડિત થઈ!
ચંદુના માથેથી બાપની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ!  આખા ગામમાં હાહાકાર મચી ગયો.
હજુ પોતાના જીવનની ત્રીસી માંડ વીતાવી છે, એવી ચંદુની વિધવા માને એનાં પિયરીયાંએ બીજું ઘર કરવા દાણો દાબી જોયો, પણ એણે પોતાનાં પિયરીયાંને રોકડું સંભળાવી દીધું : "મારે એક ભવમાં બે ભવ નથી કરવા. હું રાતદા'ડો મજુરી કરીને ચંદુના બાપના સપનાંને સાકાર કરવા મથીશ. તમારા ઉપર બોજ નહીં બનું. હવે મે'રબાની કરી ફરી વખત આ વાત ના કરતાં."
તનતોડ મહેનત કરતાં ચંદુની માનો દેહ દુર્બળ થતો ચાલ્યો.
ચંદુની પડોશમાં એનો સમવયસ્ક દોસ્ત સુરેશ રહેતો હતો. બંને એક જ ધોરણમાં ગામઠી શાળામાં ભણતા. ચંદુની મા વાડીએ ગઈ હોય ને સાંજે ઘરે આવતાં મોડું થાય તો ચંદુ સુરેશના ઘરે જમી લેતો. સુરેશની માતા પણ ચંદુ ને સુરેશમાં વેરોઆંતરો રાખ્યા વગર નબાપા ચંદુ પર વહાલ વરસાવતી.
ગામની શાળામાં સાત ધોરણ પાસ કરી સુરેશ તેના મોસાળ અમરેલી ભણવા ગયો ને ચંદુ સતત ઘસાયે જતા માના દુર્બળ દેહ પરનું ભારણ ઘટાડવા માની સાથે મજુરીએ જવા લાગ્યો.
સુરેશ સાથે ભણવાનું છૂટ્યું, પણ ભાઇબંધી અકબંધ રહી. વેકેશનમાં સુરેશ ગામ આવે એટલે બંને ભાઈબંધો રાતદિવસ સાથે જ હોય!
ચંદુની માતા હવે ખેતીનું કામ બહુ કરી શકતી નહોતી. સુકલકડા શરીરનો બહુ ભરોસો નહીં, પોતાની હયાતીમાં દીકરાને પરણાવવાના કોડ પૂરા કરવા ચંદુનાં લગ્ન અઢાર વર્ષે કરી નાખ્યાં. ચંદુની વહુ રસિલા ગુણિયલ ને સંસ્કારી હતી. બે વરસમાં તો ચંદુની માનું દાદી બનવાનું સ્વપ્ન પણ સાકાર થયું. ચંદુ દીકરીનો બાપ થયો, પણ પૌત્રીને રમાડવાના ઓરતા અધૂરા રહ્યા  ને ચંદુની મા મોટા ગામતરે ચાલી નીકળી.
ચંદુ માથે તો જાણે આભ તૂટી પડ્યું! બાળપણના ભેરુ સુરેશે ચંદુને ખુબ હુંફ આપી. ચંદુને હવે માની સતત ખોટ સાલતી હતી. રસિલા ચંદુનું મન રાજી રાખવા ખુબ પ્રયત્ન કરે, પણ ચંદુ હમેશાં ખોવાયો ખોવાયો રહે. નાની વાડી તો પિતાને ગુમાવ્યા બાદ વેચી દેવી પડેલી. ચંદુ મનથી ભાંગી પડ્યો હતો. સુરેશ ચંદુની મનોદશા પામી ગયો ને એ શહેરમાં નસીબ અજમાવવા પોતાની સાથે લઈ ગયો. એક ઈલેક્ટ્રીકની દુકાનમાં નોકરીની વ્યવસ્થા અને ભાડે મકાન રાખવામાં સુરેશે મદદ કરી. સુરેશ પત્ની રસિલા અને નાનકડી દીકરી નેહાને શહેરમાં લઈ આવ્યો. સુરેશ અને રસિલા શહેરના વાતાવરણમાં ધીમે ધીમે ગોઠવાઈ રહ્યાં હતાં. સુરેશની બધા પ્રકારની હુંફથી ચંદુનો આત્મવિશ્વાસ વધતો રહ્યો.
કુદરતની અકળ કરામતને કોઈ પામી શક્યું નથી! ધીમે ધીમે બેઠા થતા ચંદુને અચાનક હાથમાંથી વસ્તુઓ પડી જતી. બરાબર પકડેલી વસ્તુને હાથમાંથી સરકી જતી જોઈ એક દિવસ તે સરકારી દવાખાને ગયો. ડોક્ટરે તેને કહ્યું કે, 'કાલે ફરીથી આવજો. બરાબર નિદાન કરવું પડશે.'
ચંદુને બીજા દિવસની સવાર પડતાં વરસ જેટલો સમય લાગ્યો. ડોક્ટર એક દિવસમાં નિદાન ન કરી શક્યા, તો કોઈ મોટી બીમારી જરૂર હશે એ ચિંતાએ ચંદુનું ચેન હણી લીધું!
બીજા દિવસે સવારે ચંદુ સીધો દવાખાને પહોંચ્યો. થોડાંક નિદાન કર્યા પછી ડોક્ટરે રોગની જાણ કરતાં ચંદુના હોશ ઊડી ગયા!
રક્તપિત્ત! એની ભયાનકતાનો ખ્યાલ આવતાં ભલભલાના છક્કા વછૂટી જાય એવા મહારોગનો પોતે ભોગ બન્યો છે, એ વાસ્તવિકતાએ ચંદુનાં તમામ સમણાં રોળી નાખ્યાં.
પોતાના રોગનો ચેપ લાડકી દીકરી નેહા અને પત્ની રસિલાને પણ લાગશે તો? એની નજર સમક્ષ પોતાનાં આંગળી વગરના ઠૂંઠા હાથ અને બેસી ગયેલા નાક વાળો ચંદુ તરવરી રહ્યો.
ચંદુ એ દિવસે બપોરે જમી ન શક્યો. નોકરીએથી પણ રાત્રે મોડો આવ્યો અને 'તબીયત સારી નથી' કહીને સુઈ જવાનો ડોળ કરતો પથારીમાં પડ્યો.
રસિલા ઊંઘી ગયાની ખાત્રી કરી લીધા પછી ચંદુ ધીમે પગલે પણ અડગ નિર્ધાર સાથે પથારીમાંથી ઊભો થયો ને પોતાના જીગરજાન ભેરુ સુરેશ અને પત્ની રસિલાને સંબોધીને એક પત્ર લખી ચંદુ અમાસની રાતના અંધકારમાં ઓગળી ગયો!
સવારે રસિલાને પથારીમાં ચંદુને બદલે ચંદુનો પત્ર મળ્યો. પત્ર વાંચતાં જ તે બેહોશ થઈ ગઈ. પડોશીઓએ સુરેશને બોલાવ્યો. સુરેશે પત્ર વાંચ્યો : 'વ્હાલા ભેરુ સુરેશ અને પ્રિય રસિલા-નેહા,
હું તમારો સૌનો ગુનેગાર છું. મને એવો મહારોગ થયો છે, જેની કલ્પના માત્રથી જ ધ્રુજારી છુટી જાય એવા રક્તપિત્ત રોગે મને ભરડો લીધો છે અને એ રોગ રસિલા અને લાડકી નેહાને ભરખી ના જાય તે માટે મેં તમારાથી ખુબ દૂર જવાનો નિર્ણય લીધો છે, મને શોધવાનો વ્યર્થ પ્રયત્ન ના કરશો.
ભેરુ સુરેશ અને વહાલી રસિલા, તમને બંનેને એક ભલામણ કરૂં છું કે, નેહાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા તમે બંને લગ્ન કરી લેજો. મારી આ વિનંતી માન્ય રાખીને મારા પર છેલ્લો ઉપકાર કરશો. મારી લાડકી દીકરી નેહાને તમારા હવાલે મૂકી જાઉં છું. રસિલા પણ મારી વાત પાછી નહીં ઠેલે એવો મને પૂરો વિશ્વાસ છે.'
મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, કોલકત્તા, નાગપુર વગેરે જગ્યાએ અઢાર ગોળાનાં પાણી પીને ફરતો ફરતો ચંદુ આજે વીસ વર્ષે વડોદરા પહોંચ્યો છે. એના માથા પર જટા છે, લાંબી સફેદ દાઢીમાં દબાએલું નાક અને અડધા ખવાઈ ગયેલા હાથના પંજાએ ચંદુની ઓળખાણ બદલી નાખી હતી.
એક દિવસ ચંદુને સમાચાર મળ્યા કે, લાડકી દીકરી નેહાનાં લગ્ન છે અને જાન અમેરિકાથી આવવાની છે.
ચંદુને થયું કે, પાનેતરમાં નેહા કેવી લાગતી હશે?!!
એણે અમરેલી જવા વિચાર્યું.
અમરેલીમાં લગ્નની વાડી શોધતાં વાર ન લાગી. ચંદુના વેશ પરથી એને ઓળખવાનું અશક્ય હતું. વાડીના એક ખૂણે માથે ધાબળો ઓઢીને ઊભેલા ચંદુનું હૈયું, ચોરીના ફેરા  ફરતી યુવાન નેહાને નિહાળતાં આનંદના હિલોળે ચડયું, ત્યાં જ પાછળથી સીક્યુરીટીવાળાએ ચંદુની પીઠ પર 'ભિખારીઓને લાજ જ નથી, બહાર નીકળ ...' કહેતાં લાકડી ફટકારી. એ આનંદના હિલોળામાં ગરકાવ થયેલું ચંદનનું હૈયું લાકડીના ઘાને વેઠી ના શક્યું. ચંદુનું શરીર જમીન પર  પડ્યું.
ઉહાપોહ થતાં મામલો થાળે પાડવા આવેલા દાઢીધારી, ખવાઈ ગયેલા આંગળાં વગરના ઠૂંઠા હાથવાળા ભેરુ ચંદુને કન્યાદાન આપનાર સુરેશે ઓળખી લીધો. પણ અમેરિકાથી પરણવા આવેલા વરરાજાને 'નેહા રક્તપિત્ત રોગી ચંદુની દીકરી છે' - એવી જાણ થવાની બીકે, ભિખારીના વેશમાં રહેલા ભેરુને ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં પહોંચાડવાની સૂચના આપી અને સુરેશે પોતાના જીગરજાન ભેરુની લાડકી દીકરી નેહાને સાસરે વિદાય કરી.
જાન વિદાય થયા પછી સુરેશ સીધો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ચંદુએ દેહ છોડી દીધો હતો.
બાળપણના ભેરુને અવલમંઝિલે પહોંચાડવાનું કર્તવ્ય બજાવનાર સુરેશે ભેરુના અવસાનના સમાચારને હૈયાના એક ખૂણે ધરબી દીધા છે.

લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ -  382480
મો. 8043020104

No comments