three columns

Breaking News

"સેવા તીર્થ" દશરથ પંચાલ

સેવાતીર્થ"
લેખક : દશરથ પંચાલ
સને 1987માં હું વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાના વઘાચ ગામે રહેતો હતો. વઘાચ ગ્રામપંચાયતે મારી લોકકલ્યાણ પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ મને સેવાસંકુલ ઊભું કરવા માટે 10 એકર જમીન આપતો ઠરાવ કર્યો.
એ દિવસોમાં બાબા આમટે 50 સાયકલયાત્રીઓ લઇ કન્યાકુમારી થી કાશ્મીરની 'ભારત જોડો'  યાત્રાએ નીકળેલા. રસ્તામાં વઘાચ ગામ આવે, એટલે બાબાના હસ્તે સેવાસંકુલનું નામકરણ અને ભૂમિપૂજન કરાવવા વિચાર્યું. બાબાની ભારતજોડો યાત્રા આવી પહોંચી. સૌને લીંબુ શરબત આપી જમીન પર ગયા. બાબાએ 'સેવાતીર્થ' નામકરણ કરી ભૂમિવંદના કરતાં કહ્યું : 'મધપૂડામાં એક રાણીમાખી હોય છે, જે નિયમન કરતી હોય છે. સેવાતીર્થને સાકાર કરનાર કોણ છે? '
સૌની નજર મારા સામે મંડાયેલી હોવાથી બાબા સમજી ગયા અને મારી પીઠ થાબડી કહ્યું કે,' મને વિશ્વાસ છે કે આ સેવાતીર્થ અનેક લોકો માટે આશ્રયસ્થાન બનશે.'
જમીનની ફાઈલ મંજુરી માટે વડોદરા કલેક્ટર પાસે પહોંચી. સર્વેયર આવ્યા. આ જમીન ઉપર અનેક આદિવાસીનાં ઝૂંપડાં હતાં. મને થતું કે, આ લોકોને વિસ્થાપિત કરીને બીજાને આશ્રય આપવાનું કેટલું વ્યાજબી. મારી વિમાસણ કલેકટર સમજતા હતા. તેમણે મને બીજી જમીન બતાવી. એ જમીન N. A. થયેલી, કમ્પાઉન્ડ વોલ સાથે તૈયાર હતી. મેં તરત જ સંમતિ દર્શાવી અને બાબા આમટે દ્વારા નામકરણ થયેલ 'સેવાતીર્થ' આજે વડોદરા ખાતે તરસાલીમાં અનેક રક્તપિત્ત દર્દીઓ તેમજ મંદબુદ્ધિના પુખ્ત વયનાં ભાઈબહેનોને રોજગારી ઉપલબ્ધ કરાવનાર કેન્દ્ર સેવારત છે.  સેવાતીર્થને બે - બે રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યા છે.
આ બધી પ્રવૃત્તિ  પાછળ મારે ખુબ દોડધામ રહેતી હતી. સેવાતીર્થના મુખપત્ર સમાન 'કુષ્ઠસેવા' સામયિકનું સંપાદન પણ કરવાનું રહેતું.
આ અરસામાં  અમે મિત્રોએ બીજી એક સેવાસંસ્થા ઊભી કરવા વિચાર્યું. જમીન સંપાદન કરવા છાપામાં જાહેરાત આપી. તરત જ સર્વોદય આશ્રમ માઢીના રામુભાઈ પટેલનો પત્ર મળ્યો: 'હિંમતનગર-શામળાજી હાઈવે પર આવેલા રાજેન્દ્રનગર ચોકડી પર ત્રણ ટ્યૂબ વેલ સાથે 25 એકર જમીન  કોઈજાતની શરત વગર વિનામૂલ્યે આપવાની છે. 2 ઓક્ટોબર 1989 ના રોજ અમે જમીન પર ગયા. અમે જમીનનો સ્વીકાર કર્યો ને 5000 રૂપિયાના ભંડોળના બળે હિંમતનગરથી સિમેન્ટ, લોખંડ, પત્રમાં, બારણાં એડવાન્સ રકમ આપ્યા વિના લાવીને 20 રક્તપિત્ત દર્દી ભાઈબહેનોની મદદથી થોડા દિવસમાં  10 મકાન તૈયાર કરી લાભપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખના હસ્તે ઉદઘાટન થયું. મકાન બાંધકામ માટે ઉધાર સામાન આપનાર વેપારીઓ પણ આવ્યા હતા. ન કલ્પેલો સહકાર મળ્યો. વેપારીઓને ચૂકવતાં પણ સારી એવી રકમ જમા થઈ અને અમને વધુ કાર્યરત રહેવાનું બળ મળ્યું. સૌ ભોજન લઈ વિદાય થયાં. હું આડા પડખે થયો ત્યાં જ 100 મણ ઘઉં ભરેલી એક ટ્રક આવી. ડ્રાઈવરે સરનામું લખેલી ચિઠ્ઠી આપી. મોકલનારનું નામસરનામું આટલાં વર્ષો પછી પણ અમે જાણી શક્યા નથી.
મારાં પત્ની બંને દીકરાઓ સાથે વઘાચ ગામે રહે અને હું સતત દોડતો રહું. એવામાં 10000 ની પ્રત સંખ્યામાં પ્રગટ થતાં બે સામયિકો સંભાળવાની જવાબદારી મારે શિરે આવી પડી ને હું  પરિવાર સાથે અમદાવાદ સીફ્ટ થયો.
સાબરકાંઠા જિલ્લામાં આવેલ સંસ્થામાં મંદિર બનાવવા માટે  ઈપ્કો પરિવાર દ્વારા 50 લાખના દાનની ઓફર કરવામાં આવી. બીજા ટ્રસ્ટીઓએ મારો અભિપ્રાય માગ્યો. મને થયું કે લોકોને રહેવા માટે ઘર નથી ત્યાં નવું એક મંદિર શું કામ ઊભું કરવું? પણ પછી વિચાર્યું કે, મંદિર એવું બનાવવું કે વિશ્વમાં અજોડ હોય.
125 ફૂટની ઊંચાઈ ધરાવતા 1000 માણસો બેસી શકે તેવા મંદિરનું નિર્માણ થયું. એના ઘુમ્મટમાં વિશ્વના 11 ધર્મના સિમ્બોલ મૂકવામાં આવ્યા છે. આ મંદિરમાં શ્રવણ, નચિકેતા, પુંડલિક, નાભાગ, ધ્રુવ, પ્રહલાદ, મીરાં, નરસૈંયો, ઈસુ, મધર ટેરેસા, મહંમદ પયગંબર, ગુરુ નાનક, અષો જરથોષ્ટ વગેરેનાં તૈલચિત્રો અને તેની નીચે ટૂંકો પરિચય મૂકવામાં આવ્યો છે. આવા વિશિષ્ટ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મારા હાથે થાય તેવી બધા ટ્રસ્ટીઓની ઈચ્છા  બર ના આવી તે ના જ આવી.
આજે આ સંસ્થા હિંમતનગર - શામળાજી હાઈવે પર મોડાસા ચોકડી પાસે  25 એકર જમીન પર 1000 જેટલાં રક્તપિત્તનાં દર્દી ભાઈબહેનો તેમજ મંદબુદ્ધિનાં પુખ્ત વયનાં ભાઈબહેનોના પુનર્વસન કેન્દ્ર રૂપે ધમધમે છે. હવે તો સરકારે સહયોગ ગ્રામપંચાયત  તરીકે એને માન્યતા પણ આપી છે. આપને શમળાજી દર્શન કરવાની તક મળે તો આ અજોડ તીર્થધામની મુલાકાત અવશ્ય લેજો. આ તો જન્મજન્માંતર સુધી ચાલનારો મહાયજ્ઞ છે.

લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ -  382480
મો. 8043020104

No comments