"ખુવારી સામે ખુમારી" દશરથ પંચાલ
"ખુવારી સામે ખુમારી"
-દશરથ પંચાલ
ઝાડી-ઝાંખરાં વગરની બોડી ટેકરીઓના ખોળામાં સમાયેલું કચ્છના રાપર તાલુકાનું કાનમેર ગામ. જુવારની ધાણી ફૂટે એમ 26 જાન્યુઆરી - 2001ના ભૂકંપે કાનમેર ગામનાં ખોરડાં રફેદફે કરી નાખ્યાં હતાં. બચી ગયેલા લોકોને ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ આસરો ન રહ્યો. નપાણીયો મુલક અને એમાંય વીજળી વેરણ થઈ ત્યારે લોકોને પીવાનાં પાણીના પણ સાંસા પડવા લાગ્યા હતા. સરકારી તંત્ર દ્વારા પાણીનાં ટેન્કર આવે પણ સૌને પાણી મેળવવાની ઉતાવળ હોય, બધાંને પાણીનો સ્ટોક કરવો હોય, કાલે ટેન્કર ના પણ આવે.
આવા સમયે કાનમેર ગામના ચોરા પાસે મેં ગાડી મૂકી, શાળાના પાંચ શિક્ષકો સાથે ભૂકંપથી થયેલ નુકસાનનું સર્વેક્ષણ કરી મદદનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી.
ઘેઘૂર વડલાની ડાળીઓ કપાઇ ગયા પછી થડના ઠૂંઠા સમા ભાસતાં, જેમના ચહેરા પર આઠ દસકા વીત્યાની ચાડી ખાતી કરચલીઓ વળી છે, એવાં એક કમરથી 45 અંશના ખૂણે વળેલાં, હાથમાં દંડાને સહારે ઊભેલાં એક વિધવા રજપુતાણી એક હાથે આંખો પર છાજલી કરી, તૂટેલી દાંડીવાળાં ચશ્માની આરપાર અમને નીરખી રહ્યાં.
સર્વે ટીમનો એક સભ્ય ખંડિયેર ડેલીના કાટમાળ વટાવી એ વૃદ્ધ માતા પાસે પહોંચે છે. '' માડી, તમારા ગામમાં ધરતીકંપે ખેદાનમેદાન કરી નાખ્યું છે, અમે આપને મદદરૂપ થવાની ભાવનાથી આવ્યા છીએ. આ માટે એક ફોર્મ ભરવાનું છે, આપનું અને આપના કુટુંબના સભ્યોનાં નામ લખાવશો?'' એ સભ્યએ માજીને વિનંતી કરી.
'' ના દીકરા, આ હાથ વડે કાયમ બીજાંને આપ્યું છે, માગ્યું નથી. આ ઘરડે ઘડપણ માગવા માટે આ હાથ લાંબા નહીં થાય. '' અખંડ માનસિકતા ધરાવતાં વૃદ્ધ માજીની અંતરની વ્યથાને છતી કરતું અશ્રુબિંદુ એમની આંખમાંથી સરી પડ્યું.
પેલા સભ્યએ માજીના હૈયાની ભીતર ધરબાએલી વ્યથા જાણવા કહ્યું :''માડી, અમે તો તમારા દીકરા જેવા છીએ, દીકરો માતાને આપે તો એને માગ્યું ના કહેવાય.''
''સારુ દીકરા, મારે જે જોઈએ તે આપી શકશો? '' બોલતાં વૃદ્ધ માતાની આંખના ખૂણા રેલાઈ ગયા.
''હા મા, તમારી જરૂરિયાત સંતોષવા અમારાથી શક્ય તમામ પ્રયત્ન જરૂર કરીશું. '' સભ્યએ ઉત્સુકતા દાખવી.
''એક ખોળામાં ખુંદનારને પામવા સાત-સાત દીકરીઓની સુવાવડની પીડા વેઠી, આઠમી સુવાવડે ભગવાને દીકરો આપ્યો. દીકરીઓ પરણીને સાસરે ગઈ. આવતા મહિને દીકરાનાં લગ્ન લેવાનાં હતાં, પણ જેની આશાએ બાર વરસથી રંડાપો વેઠી એને ઉછેરીને મોટો કર્યો એ મારા લાડકડાને આ ગોઝારા ધરતીકંપે ધરતીમાં ધરબી દીધો છે. મારે મારો દીકરો જોઇએ છે, તમે જો એ દીકરો પાછો આપી શકતા હોય તો એ માગવા આ રજપુતાણી આપની પાસે હાથ લંબાવે છે. '' - એમ કહેતાં એ વૃદ્ધ માતા ભાંગી પડ્યાં.
અમારી પાસે એનું કોઈ સમાધાન નહોતું. અમે એમના હૃદયનો ચિત્કાર અનુભવ્યો, પણ જૂઠા દિલાસા-સાંત્વના આપવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન હતો.
ખુવારી સામે ખુમારીથી લડતી વૃદ્ધ માતાની વેદનાથી અમારી સંવેદનાએ અમારી આંખો ભીની કરી દીધી.
લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ - 382480
મો. 8043020104
4 comments
આપ વાંચન કરો ને વીનન્તી છે આ લેખન કાર્યો ને સહારે કરો
Sorry share karo
Sorry share karo
આપ વાંચન કરો ને વીનન્તી છે આ લેખન કાર્યો ને સહારે કરો