"મજા" દશરથ પંચાલ
'મજા''
-દશરથ પંચાલ
પચીસેક વર્ષ પહેલાં હું અમારા સ્નેહી હરગોવનદાસના ઘેર ધોળકા ગયો હતો. વૌઠાનો મેળો માણવા એમણે અમને રોક્યા. બીજા દિવસે સવારે નાસ્તાપાણી કરી વિદાય લેવાની તૈયારી કરી ત્યાં હરગોવનદાસે કહ્યું, ''મારા એક ભાઈ ફોટોગ્રાફર છે, એમનો સ્ટુડિયો તમને બતાવવાનો છે.''
મને થયું કે, ધોળકા આવ્યા જ છીએ તો સ્ટુડિયો પણ જોતા જઈએ. અમે સ્ટુડિયોમાં પહોંચ્યા. ફોટોગ્રાફર ભાઈ સૌ વૌઠાના મેળાની મજા માણવા ગયાં હોવાથી ઓફ સિઝન માણતા બગાસાં ખાતા બેઠા હતા.
અમને સ્ટુડિયોમાં પ્રવેશતાં જોઈ તેઓ ગેલમાં આવી ગયા! અને વૌઠાના મેળામાં એક વખત કેમેરા ચોરાઈ ગયેલો એટલે પોતે મેળામાં સ્ટુડિયો લઈને જતા નથી, ત્યાંથી શરૂ કર્યું ને nonstop એક કલાક એમનો વાણી પ્રવાહ વહેતો રહ્યો! અમને બોલવાની તક જ ના મળી. અમે બધા કંટાળી ગયા હતા. અમે ઊભા થયા. એમણે કહ્યું : '' અરે! બેસો, વાતોમાં ચા મંગાવવાનું પણ ભૂલી ગયો. ચા આવે ત્યાં સુધી હું આ મહેમાનનો પરિચય પણ કરી લીધી લઉં.'' ચા પીવા રોકાવામાં મને જોખમ લાગ્યું એટલે મેં ઊભાં ઊભાં જ મારો પરિચય આપી 'જયશ્રી કૃષ્ણ' કહી સ્ટુડિયો બહાર નીકળી હાશ અનુભવી. તેમણે અમને વળાવતાં કહ્યું, '' આપને મજા આવી કે નહીં એની મને ખબર નથી, પણ મને તો ખુબ મજા આવી. ''
અમે એમને વધુ મજા લેવાની તક આપ્યા વગર ઉતાવળે પગલે ચાલતા થયા!
લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ - 382480
મો. 8043020104
No comments