three columns

Breaking News

"વીંછી ની વેદના"

"વીંછીની વેદના"
લેખક : દશરથ પંચાલ
એ સમયે વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાનાં 219 ગામોમાં  મેં ડોંગરેજી મહારાજના કથાભંડોળમાંથી અન્નક્ષેત્રને ઊભાં કરવાને બદલે ક્ષેત્રમાં અન્નની યોજના અંતર્ગત સિંચાઈ યોજનાઓ, બાલવાડીઓ, અંધશ્રદ્ધા નાબુદી, વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર, અનાજબેંક, રક્તપિત્ત નિવારણ, આદિવાસી વિસ્તારોમાં શોષણ કરનાર વેપારીઓને  રવાના કરવા ગામના જ યુવાનો દ્વારા દુકાનો શરૂ કરાવી, સરકાર દ્વારા અશ્વિન નદી પર બાંધવામાં આવેલ ધામસિયા બંધનું સંચાલન કરી પાંચ ગામની ધરતીને હરિયાળી બનાવવી વગેરે કામો શરૂ કરેલાં એટલે મારે ખુબ દોડધામ રહેતી. આ બધાં કામો માટે હું મોટર સાયકલ રાખતો. ડુંગરાળ વિસ્તારમાં પેટ્રોલ અને પંક્ચર સંધાવવા 15 કિ.મી. જવું પડતું. વળી, ખેડૂતો સાથે કામ હોઇ, મોટેભાગે  સાંજના સમયે જવું પડે, પાછા વળતાં રાત પડી જાય.  એક રાત્રે  આ રીતે ઘેર પરત આવી રહ્યો હતો. મોટરસાઇકલની હેડલાઈટના અજવાળે પ્રસુતિની પીડાથી કુણસતી એક આદિવાસી સ્ત્રી રસ્તાની બાજુમાં  પડેલી જોઈ. આજુબાજુ કોઈ ન હતું. મેં તરત મોટરસાયકલ ઊભી રાખી અને એ બહેનને સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવ્યો. આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી એ બહેન અને બાળકને એકલાં છોડીને જવાય નહીં કે સાથે મોટરસાયકલ પર લઈ જવાય તેમ પણ ન હતું. થોડીવારમાં એ બહેનના ઘરવાળાં શોધતાં આવ્યાં. મને તેઓ સારી રીતે  ઓળખતાં હતાં. તેઓ મને ભગવાન સ્વરૂપ માની એમના ઘરે લઇ ગયા, પણ મેં એમની કોઈ આગતાસ્વાગતા ન સ્વીકારી એટલે એમનો મારા પરના અહોભાવમાં વધારો થયો. આ બનાવ  પરથી મને મારામાં છુપાયેલી પ્રસુતિ કરાવવાની કુશળતાની જાણ થઈ. નસવાડી  અને છોટાઉદેપુરનાં ગામડામાં વસતા આદિવાસીઓએ અમને ખુબ પ્રેમ આપ્યો  છે.
અમે ઘરે પણ મોટાભાગની તમામ દવાઓ રાખતા અને જરૂરિયાત વાળાંને મદદરૂપ થતા. એક વખત ગામમાં કોઈનાં લગ્ન હતાં. વરઘોડો નીકળ્યો હતો. એક યુવાન આગળ આગળ સુતળી બોમ્બને સળગાવી ફેંકતો જતો હતો. એણે સુતળી બોમ્બને સળગાવી ફેંકવા જતો હતો ત્યારે  એક છોકરાને સામેથી સાયકલ પર  આવતો જોયો ને સુતળી બોમ્બ ફેંકવા લાંબો થયેલો હાથ રોકાઈ ગયો ને બોમ્બ એના હાથમાં જ ફૂટયો. હથેળીમાં કૂરચા થઈ ગયા હતા. આખા ગામમાં  મારી પાસે જ વાહન જે ગણો તે મોટરસાયકલ જ હતું. હું તરત જ એને 4 કિ. મી. ના અંતરે આવેલ સરકારી દવાખાને લઈ ગયો. ડોક્ટર રજા પર વતનમાં ગયેલા. કંપાઉન્ડરને બોલાવી મેં ટાંકા લઈને પાટાપીંડી કરી, દુખાવામાં રાહત આપે તેવી દવા આપી ને પરત ઘરે લઈ આવ્યો. રાત પડી ગઈ હતી. જમી ને ફળિયામાં ઢાળેલા ખાટલામાં  લંબાવ્યું. થોડી વારમાં  વાવાઝોડું શરૂ થયું. લાઈટ ચાલી જવાથી હું ઘરમાંથી બેટરી લેવા ઊભો થઈ ચંપલ પહેરવા જતો હતો ત્યારે વીંછીએ ડંખ માર્યો. ઉપરાઉપરી બે ડંખ મારેલા. સામાન્ય સંજોગોમાં મને વીંછી ડંખ મારે તો વેદના ઓછી થતી. પરંતુ આ વખતે તો મારાથી પીડા સહન થઈ. છતાં ઘરમાંથી બેટરી લઈ આવ્યો. મારી પીડા વધતી જતી હતી. મને દવાખાને લઈ ગયા, પણ ડોકટર હાજર નહીં. બીજું દવાખાનું 20 કિ. મી. દૂર હતું. પડોશી સમસુભાઈ સાઈકલ લઈ વીંછી ઉતારનારને બોલાવી લાવ્યા. એણે વીંછી ઉતારવાનો મંત્ર બોલ્યો પણ મારી વેદના વધતી જતી હતી. એ વીંછીને જ્યાં માર્યો હતો ત્યાં જઈ જોઈ આવ્યો પછી મારાં પત્ની પાસે મીઠું માગ્યું. એણે મીઠું  પોતાના મોંમાં નાખ્યું અને મારા પગે વીંછીએ મારેલા ડંખમાંથી વહેતું લોહી ચૂસીને થૂંકવા લાગ્યો. મને થોડી રાહત જેવું લાગ્યું. મારી આંખોમાં ઘેનની અસર હતી. એમને દહેશત હતી કે હું આવતી કાલનો સુરજ નહીં  જોઈ શકું,  પણ એમણે મારાં પત્નીને મને સતત જાગતા રાખવાની સૂચના આપીને અને તે પોતાના ઘરે ગયા. વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ દબાતે પગલે મારી ખબર પૂછવા આવ્યા. પણ મારા સિવાય બધાંને સુતેલાં જોઈ सब सलामत है ના આનંદ સાથે પાછા વળી ગયા.
મને થયું કે આ ભાઈ ન હોત તો અત્યારે  મારા મરશિયા ગવાતા હોત. બીજા દિવસે સમસુભાઈ પાસેથી માહિતી મેળવી કે એમને ફક્ત બે વીઘા જમીન છે, પણ સિંચાઈ કરવાની સગવડ નથી.  મેં તરત જ એક ડીઝલ એન્જિન મંગાવીને આપી દીધું. એનું ખેતર નદી કિનારે આવેલું હતું  તેથી એની વાડી કાયમ માટે લીલી બની.
આજે પણ આ પ્રસંગને મારા પરિવાર સાથે વાગોળું છું ત્યારે થાય છે કે એક ભોળા આદિવાસીના રૂપમાં ભગવાને આવીને ઝેર ચૂસી લીધું હતું, નહીં  તો આજે દશરથભાઈ ફ્રેમમાં મઢાઈ ગયા હોત.

લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ -  382480
મો. 8043020104

No comments