"રક્તપિતો" ની સૅવા
અભ્યાસ પૂરો કરી મારી ઈચ્છા પિતાને નિવૃત્ત કરી ખેતીમાં આધુનિક અખતરા કરી પરિવારને મદદરૂપ થવાની હતી, પરંતુ પિતાના શબ્દોએ મને હતોત્સાહ કરી નાખ્યો: 'જો તારે બળદના પૂંછડાં જ આમળવાં હોત તો આટલું બધું ભણ્યો શું કામ?'
મને રવિશંકર મહારાજ યાદ આવ્યા. અંબરચરખાનું કામ શીખી પછાત ગામમાં પલાંઠી વાળવાનો મનસૂબો કરી અમદાવાદ 1978 માં આવ્યો. એક વહેલી સવારે બ્રશ કરતાં ઘરના વરંડામાં પડેલ પસ્તીના કાગળ પર મારી નજર પડી, એનું શિર્ષક હતું: 'ઘર વગરની અને વર વગરની એ જાય ક્યાં?'
મને એ લખાણે વાંચવા મજબૂર કર્યો. એમાં રક્તપિત્ત રોગથી પીડાતી એક નવોઢાની કરમકહાણી હતી. એ પસ્તીનું પાનું વંચાતાં મારા હૃદયે મને રક્તપિત્ત સેવા કરવાની પ્રેરણા આપી ને હું મારાં પત્ની અને બે બાળકો સાથે વડોદરા પાસે મહિસાગરનાં કોતરોમાં શરૂ થઈ રહેલ સંસ્થામાં જોડાવાના હેતુથી જોવા ગયો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ છે માસનો દીકરો જનક સંસ્થાની શીતળ લહેરખી માણતો સુઈ ગયો. સંચાલકે એક રક્તપિત્ત દર્દીના ઘરની ઓસરીમાં પડેલા ખાલી પારણામાં જનકને સુવાડવા ઈશારો કર્યો. અમે એ પારણામાં જનકને સુવાડી સંસ્થાદર્શન કરી વળતાં આવ્યાં ત્યારે જનક પારણામાં રમતો હતો અને તેને એક યુવતી હીંચકા નાખતી હતી. સંચાલકે એ યુવતીની ઓળખ આપતાં અમને કહ્યું: 'તમે પસ્તીના કાગળની વાત વાંચીને અહીં કામ કરવા પ્રેરાયા તે જ આ રૂપા છે.'
અને અમે 600 રક્તપિત્ત રોગી ભાઈબહેનો સાથે રહેવા આવી ગયાં. મેં દર્દીઓનાં 120 જેટલાં તંદુરસ્ત બાળકને સંસ્કારસિંચનનું કામ સ્વીકાર્યું. બધાં બાળકો શાળામાં અભ્યાસ કરવા જાય એટલે સાંજે પાંચ વાગ્યા સુધીની નવરાશમાં હું હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પાસે જઇ એમને સાંભળું. એક વખત મારી નજર દર્દીઓના જખમનું ડ્રેસિંગ કરતા સોમાભાઇ પર પડી. મેં એમને મને ડ્રેસિંગ કામ શીખવવા વિનંતી કરી અને બીજા દિવસથી હું નવરાશ મળે એટલે ડ્રેસિંગ કામ શીખવા પહોંચી જતો. પંદરેક દિવસમાં તો હું ડ્રેસિંગ કામમાં પાવરધો થઈ ગયો. એક વખત સંસ્થાના પ્રમુખ મહેમાનોને લઈ હોસ્પિટલમાં આવ્યા. મને ડ્રેસિંગ કરતો જોઈ એમને આશ્ચર્ય થયું. મને કહે: 'દશરથભાઇ હજી પણ તમને સૂગ આવે છે એટલે ડ્રેસિંગ કરતાં હાથે મોજા પહેરી રાખો છો?'
મેં તરત જ હાથના મોજા ઉતારી નાખ્યા અને પછી મોજા પહેર્યા વગર જ ડ્રેસિંગ કરતો.
મને હમેશાં શીખવાનું મળ્યું છે અને જ્યાં તક મળી ત્યાં વિદ્યાર્થી બનીને નિપૂણતા કેળવવા મથતો રહ્યો છું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને સતત નવું નવું શીખવાની તકો સાંપડતી રહે છે.
લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ - 382480
મો. 8043020104
No comments