three columns

Breaking News

"પેટનો દુખાવો" દશરથ પંચાલ

"પેટનો દુઃખાવો"
લેખક : દશરથ પંચાલ
શનિવાર એટલે હનુમાનજીનો વાર. પણ એ શનિવારો મારા માટે પેટના દુઃખાવા સમાન હતા.
હા. સને ૧૯૬૫માં અમદાવાદમાં આશ્રમરોડ પર આવેલી નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં હું ભણતો. મારા મામાના ઘેર દૂધેશ્વર ખાતે આવેલ પરમાનંદની ચાલીમાં રહીને ત્યાંથી પગે ચાલીને શાળામાં જતો. મારી શાળા બે સીફ્ટમાં ચાલતી. હું સવારની સીફ્ટમાં હતો. સવારની સીફ્ટવાળાને શનિવારે બપોરની શાળા રહેતી અને બપોરની સીફ્ટવાળાને શનિવારે સવારની શાળા રહેતી.
ભણવામાં તો હું શરૂઆતથી જ તેજસ્વી હતો, પણ મને શનિવારે શાળાએ જવાનું કઠતું! મારા મામાનાં તાજાં જ લગ્ન થયેલાં. મામીમાં આવડત કરતાં ભોળપણ વધારે, એટલે પાક શાસ્ત્ર એમને મેં શિખવાડેલું!
મારા મામા કારખાનામાં નોકરી કરે, એટલે સવારે સાડા સાત વાગ્યે સાયકલ પર ટીફીન લઈને નીકળી જાય તે રાત્રે આઠ વાગ્યે ઘેર આવે! મામીને મેં રસોઈ શિખવેલી એટલે હું એમના પર ગુરુહક્ક ભોગવતો! મતલબ કે મારાં તોફાનોની ફરિયાદ મારા મામા સુધી પહોંચતી નહીં!
હવે શનિવારની સવાર પડે એટલે મારે બપોરની શાળા હોય, તેથી મામા કારખાને જાય પછી જ હું પથારીમાંથી બેઠો થતો,પરંતુ બેઠા થતાં જ મને પેટમાં દુઃખવાનું ચાલુ થઈ જતું! એમાંય મામી મારી નજીક હોય ત્યારે over acting થઈ જતી!
મારા પેટના દુઃખાવાથી મામી ગંભીર બની જતાં ને  ઘી-ગોળનું પાણી, અજમો અને લસણ વગેરે ઉપચાર શરૂ થઈ જતા, પણ અગિયાર વાગે તોય પેટનો દુઃખાવો ઓછો થવાનું નામ ન લે! મામી તો ચિંતાતુર બની જતાં. બાર વાગે એટલે મામી કહે, 'ભાણાભાઈ, આજે રજા રાખો. થોડુક ખાઈ લો તો ખોરાક પેટમાં જાય એટલે પેટનો દુઃખાવો મટી જશે.'
ને હું પણ ઉતરેલું મોં રાખી થોડુક ખાઈ લેતો. પછી થોડી વાર ઊંઘવાનો ડોળ કરતો પડ્યો રહું ને ત્યાં મામીનાં નસકોરાં બોલવા માંડે એટલે ધીમેથી ઊઠી, ભરપેટ જમીને ભાઈબંધના ઈશારે ચાલીમાં રમવા નીકળી જતો. મામીની ઊંઘ પૂરી થાય એટલામાં ઘરે આવી ચા સાથે નાસ્તો કરતો. મામી મારા ચહેરાની પ્રસન્નતા જોઈ પૂછતાં : 'ભાણાભાઈ, હવે પેટમાં કેવું છે?'
હું મામીને કહેતો : 'મામી, હવે મટી ગયું. હું થોડી વાર મારા ભાઈબંધો સાથે રમીને આવું છું' - ને મામીના જવાબની રાહ જોયા વગર હું નીકળી જતો તે અંધારું થયે ઘરે આવતો.
આમ મારા દરેક શનિવારો પેટપીડાવાળા બની રહેતા. આની પાછળનું રહસ્ય આજે ૪૭ વર્ષ પછી આપની સમક્ષ રજુ કરૂં છું, જે મારાં મામી કદી પણ ન જાણી શક્યાં કે, ભાણાભાઈને શનિવારે જ પેટમાં કેમ દુઃખે છે!
વાત એવી હતી કે, રોજ ૭ થી ૧૧ દરમિયાન શાળામાં જવાનું, બાકીનો સમય પૂરી સ્વતંત્રતા મળે! શનિવારે ૧૧ થી ૫ સુધી આખો દિવસ શાળાનું બંધન અને એમાંય છેલ્લો પીરીયડ પી. ટી. નો હોય, એક બાજુ સાંજે ભૂખ લાગી હોય ને કસરત કરવી પડે- આ મને બહુ કઠતું, એટલે શનિવારે સવારે જ પેટનો દુઃખાવો થવાનું બહાનું મને સદી ગયું હતું!
આજે પણ હું મારા પરિવાર સમક્ષ આ પ્રસંગ વાગોળું છું ત્યારે મારાં મામીનું ભોળપણ અને મારી એકટીંગ પર મને  ખુબ હસવું આવે છે!

No comments