three columns

Breaking News

"કીમિયો" (અરબસ્તાન નાં મુખી ની ચતુરાઈ) લેખક:દશરથ પંચાલ

"કીમિયો"
સંકલન : દશરથ પંચાલ
અરબસ્તાનની આ વાત છે. રણ વિસ્તારમાં અવરજવર માટે એ દિવસોમાં ન હતા રસ્તાઓ કે ન હતાં આધુનિક વાહનો. માલવાહક સાધન રૂપે ઊંટ અને ગધેડાનો ઉપયોગ કરાતો હતો. મુસાફરી તો મોટેભાગે ચાલીને જ કરવી પડતી! વૃદ્ધ અથવા માંદા-અશક્ત લોકો ગધેડા પર બેસી મુસાફરી કરતા. વેરાન રણવિસ્તાર હોવાથી લોકો અવરજવર માટે એકલદોકલ જવાને બદલે સમૂહમાં  જ જતા. ચોરની મોટી બીક અને રસ્તા વગર ચાલવાનું એટલે લોકો અવરજવર માટે સાહસિક અને બાહોશ મુખીના સમૂહમાં જોડાઈને મુસાફરી કરવાની ઇચ્છા રાખતા.
આવો એક સમુહ બાહોશ મુખીના આગેવાની હેઠળ બગદાદ જઈ રહ્યો હતો. એક નાના કસ્બાનો શેખ પોતાની પાસે સોનામહોરો હોવાથી બગદાદ જતા એ સમૂહમાં મુખીની સંમતિ મેળવીને જોડાયો. આ સમુહ મોટેભાગે વહેલી સવારથી શરૂ કરીને બપોર સુધી ચાલતો. સુરક્ષિત જગાએ પડાવ નાખી રાતવાસો કરતો. ક્યારેક ગરમી-ધૂળની ડમરીઓ અને વધુ થાક લાગે તેવા સંજોગોમાં એમનો પડાવ એક દિવસથી પણ વધુ સમય લંબાતો.
એ સમુહ દડમજલ કાપતો તંબૂના પડાવ નાખતો આગળ ધપ્યે જતો હતો. શેખ પોતાની સાથેની સોનોમહોરોની સુરક્ષિત હોવાથી ખુશ હતો. આગળના પડાવ પાસે થોડા પાણીની સુવિધા હોવાથી સમૂહના લોકોએ એક દિવસ વધારે રોકાણ કરવા મુખીને વિનંતી કરી. મુખીએ રોકાણ માટે સંમતિ આપતાં સમુહ ત્યાં રોકાયો.
બપોરના સમયે શેખે પોતાની સોનામહોરો ભરેલો થેલો તપાસ્યો તો તમામ સોનામહોરો ગાયબ! શેખના તો હોશકોશ ઊડી ગયા! એણે રડમસ ચહેરે મુખીના તંબુમાં જઈ સોનામહોરો ચોરાયાની વાત કરી. મુખીએ શેખને સાંત્વના આપી ધીરજ રાખવા કહ્યું.
મુખીએ સમૂહના દરેક સભ્યને એકત્ર કરી શેખની સોનોમહોરોની ચોરીની વાત કરતાં કહ્યું કે, 'આપણા સમુહ સિવાય નજીકમાં પણ કોઈ માણસ નજરે પડ્યો નથી, એનો મતલબ એ થયો કે આપણામાંથી જ કોઈએ ચોરી કરી છે. જેણે પણ શેખની સોનામહોરો લીધી હોય તે મને કાલે સવાર સુધીમાં આપી જાય, તેનું નામ જાહેર નહીં થાય અને સજા પણ માફ કરવામાં આવશે.'
બીજા દિવસની સવાર પડી, પણ સોનામહોરો ન મળી! એટલે પડાવથી થોડે દૂર સમૂહના તમામ સભ્યોને મુખીએ બોલાવી કહ્યું : 'આ ચોરીની અસર મારા મુખીપણા પર પડશે. ભવિષ્યમાં મારી સાથે સમૂહમાં મુસાફરી કરવા માટે કોઇ વિશ્વાસ નહીં કરે, માટે ચોરને શોધી કાઢવાની મારી ફરજ બને છે. વળી, ચોર આપણામાંથી જ કોઈ સભ્ય છે.'
થોડું અટકી મુખીએ કહ્યું : 'મારો એક ગધેડો ચોરને પકડવામાં માહિર છે. આપણા સૌએ વારાફરતી મારા તંબુમાં બાંધેલા ગધેડાની પૂંછડીને અડકીને અહીં આવવાનું છે. જેણે ચોરી કરી હશે, તે ગધેડાની પૂંછડીને અડકતાં જ ગધેડો અવાજ કરશે!'
સૌ એક પછી એક તંબુમાં જઈ ગધેડાની પૂંછડીને અડકી આવ્યા, પણ ગધેડાનો અવાજ આવ્યો નહીં તેથી સૌએ હાશ અનુભવી કે, 'આપણામાંથી કોઈ ચોર નથી!'
મુખીએ બધા સભ્યોને લાઈનમાં ઊભા રાખી, હથેળી ખૂલ્લી રાખી હાથ આગળ તરફ લંબાવવા સૂચના આપી. પછી મુખી એક પછી એક સભ્યની હથેળીમાં પોતાનો ચહેરો નમાવતો ચાલ્યો. એક માણસની પાસે તે થોભ્યો. એણે કરડાકીભર્યા અવાજે એની ગળપચી પકડીને કહ્યું, 'ક્યાં છે સોનામહોરો? ઝડપથી લઈ આવ, નહીંતર થડથી માથું અલગ થઈ જશે!'
પેલો માણસ દોડતો જઈ સોનામહોરો લઈ આવ્યો અને  પોતે કરેલી ચોરી બદલ મુખી પાસે ઘૂંટણિયે પડી ક્ષમા માગી અને સજા ન કરવા કાકલૂદીભરી વિનંતી કરી. મુખીએ એને પોતાના સમુહમાંથી હાંકી કાઢ્યો અને પરત મળેલી સોનામહોરો પેલા શેખને સોંપી! 
બીજે દિવસે સવારે સમુહનો પડાવ આગળ વધ્યો.  શેખને ચોર શોધી કાઢવાનો મુખીનો કીમિયો સમજાતો ન હતો. આગળના પડાવમાં રાતના સમયે મુખીના તંબુમાં બેઠેલા શેખે ચોરને પકડી પાડવાનું રહસ્ય જણાવવા મુખીને વિનંતી કરી. મુખીએ કહ્યું કે, 'મારો ગધેડો કંઇ જાદુગર નથી! મેં ગધેડાની પૂંછડી પર અત્તર લગાડ્યું હતું, જેણે ચોરી કરેલી તેણે ગધેડો અવાજ કરશે એ ડરથી ગધેડાની પૂંછડીને સ્પર્શ કર્યો નહીં, તેથી એના હાથમાંથી અત્તરની સુવાસ આવી નહીં  અને ચોર પકડાઈ ગયો!'
આ ચોર પકડવાનો અજબ કીમિયો જાણી શેખ આશ્ચર્યચકિત થયો અને મુખીનો આભાર માન્યો.

1 comment