"બહારવટીયો" (સત્ય ઘટના)દશરથ પંચાલ
૧૯૪૬ ની સાલના ઉનાળામાં એક બળબળતા બપોરે ખેતરમાં કપાસની સુકાયેલી સાંઠીઓ પાડીને ઘરે જવાની તૈયારી કરતા એક ખેડૂતની છાતીએ બંદુક ભરાવી એક લવરમૂછીયો ઘોડેસવાર યુવાન ઊભો ઊભો આવતીકાલે ૧૦૦ રૂપિયાની નોટ લઈને ખેતરે લઈ આવવાની ધમકી આપી રહ્યો છે.
આઝાદી પહેલાં આવા બહારવટીયાની ટોળકીઓ ઉત્તર ગુજરાતમાં સક્રિય હતી. હાલના પાટણ જિલ્લામાં સમી વિસ્તારમાં આવી એક ટોળકી એકલદોકલ માણસોને લૂંટી લેતી. આ ટોળકીનો એક સભ્ય ધનોરા ગામનો અમથાજી ઠાકોર પણ હતો.
આઝાદી પહેલાં ધનોરા ગામ રાધનપુર નવાબના તાબાનું ગામ હતું. આ ગામ રાધનપુર નવાબે એક બ્રાહ્મણની દીકરીને ઈનામરૂપે આપેલું. એ બ્રાહ્મણ દીકરીનાં લગ્ન પ્રસિદ્ધ ગુજરાતી કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા સાથે થયાં હતાં. તેમને ગામ ઈનામમાં મળેલ હોવાથી તેઓ ઈનામદાર તરીકે ઓળખાતા હતા. ધનોરા ગામમાં મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. ખેતીની ઉપજનો ૨૫ % હિસ્સો ઈનામદારને આપી દેવો પડતો! આથી જ કહેવત પ્રચલિત બની હતી કે, 'ચોર ખાય, મોર ખાય અને ચોથો ભાગ ઈનામદાર લઈ જાય, પછી જેટલું ઘરે આવે એટલું અનાજ આપણા બાપનું!'
આઝાદી પહેલાં પોલીસનો રોફ પણ જબરો હતો. ગુનો કરનારને ચોરા પાસે બોલાવી જાહેરમાં માર મારવામાં આવતો. આમ છતાં બહારવટીયા અમલદારોને સાચવી લઈ પોતાનો કેર વરતાવતા. આ લૂંટનો માલ ટોળકીના સભ્યો આપસમાં વહેંચી લેતા.
આ બહારવટીયાએ આજે અમથાજીના ગામ ધનોરાના એક સીધા-સાદા ખેડુત બળદેવ મગન લવારની છાતીએ બંદુક ભરાવી હતી. બંદુક છાતીએ તાકીને ઊભેલો બુકાનીધારી બહારવટીયો હતો- રાધનપુર પંથકનો ભાવસંગજી ઠાકોર! (જે ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવેલો!)
બંદુક છાતી સામે દેખાતાં બળદેવ મગન લવાર પરસેવે નાહી રહ્યા હતા. વળી, એ સમયે રૂપિયો ગાડાના પૈડા જેવડો (એક પૈસાની પણ ચીજવસ્તુઓ મળતી અને એવા સો પૈસાનો એક રૂપિયો, એવા ૧૦૦ રૂપિયા ભેગા કરીને આવતી કાલે ભાવસંગજી બહારવટીયાને આપવાના હતા, નહીં તો બંદુકની ગોળી છાતીની આરપાર....
ખેતરેથી ભાગેલા પગે બળદેવભાઈ ઘરે આવ્યા. તેમનાં માતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું, પોતાનાથી ૧૨ વર્ષે મોટાં વિધવાબેન અનુબેને બળદેવભાઈનું ઉતરેલું મોં જોયું અને પેટમાં ફાળ પડી. એકના એક માડીજાયા ભાઈનું હૈયું વલોવાતું જોઈ કઈ બહેન બેસી રહે! પણ આ તો ૧૦૦ રૂપિયા ગામમાંથી ભેગા કરીને આપવાની વાત હતી! કાચાપોચાનાં તો છાતીનાં પાટીયાં બેસી જાય! પણ આ તો અનુબેન. લોખંડી સ્ત્રી! એ ભાઈને સાંત્વના આપી જમાડીને ગામના પટેલ નથામામા (અનુબેનનાં બા દીવાળીબાને એમણે બહેન માનેલાં હતાં) ના ઘરે ગયાં. ત્યાંથી ૧૦૦ રૂપિયાની નોટ લઈ બંને અમથાજીના ઘરે ગયાં.
૧૦૦ રૂપિયાની નોટ અમથાજી તરફ ફેંકી નથાભાઈ પટેલે કહ્યું, 'આ લે ભાવસંગને બીજો કોઈ ના મળ્યો તો ગરીબ ગાય જેવા બળદેવ પાસે રૂપિયા માગ્યા! હવે ભાવસંગને કહી દેજે, બીસ્ત્રાપોટલાં બાંધીને તૈયાર રહે અને તું આ ગામમાં રહે છે તો એનું તો પ્રમાણ રાખ!'
અમથાજી તો વાઢો તો લોહી ના નીકળે એવો થઈ ગયો. અમથાજીએ કરગરતાં નથા પટેલને કહ્યું, 'અરે નથાભા, ભાવસંગની ભૂલ થઈ હશે, એના વતી હું માફી માગું છું, આ ૧૦૦ રૂપિયા પાછા લઈ જાઓ. હવેથી ભાવસંગ એમને ક્યારેય નહીં સતાવે એની હું ખાત્રી આપું છું'
નથામામા અને અનુબેન ઘરે આવ્યાં. બળદેવભાઈને હૈયાધારણ આપી.
પછી તો આઝાદીનો વાયરો વાયો. બહારવટીયાઓએ શરણાગતિ સ્વીકારી. અમથાજી કે બળદેવભાઈ અત્યારે હયાત નથી, પણ શરણાગતિ સ્વીકારીને નકલી નોટોની હેરફેરમાં પકડાઈને જેલ ભોગવી ચૂક્યા પછી રાધનપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલા ને ભૂતપૂર્વ ધારાસભ્યનું પેન્શન મેળવતા ભાવસંગજી ઠાકોર હયાત છે! (આ લખનારના પિતા બળદેવભાઈ હતા!)
No comments