"ભાગેલા મોભ નોટ ટેકો"
"ભાગેલા મોભનો ટેકો"
લેખક : દશરથ પંચાલ
ભગવાન અમને હમેશાં બીજાંને બેઠાં કરવાના કાર્યમાં સહભાગી બનવાની તક આપતો રહ્યો છે. આવી તકો ઝડપવાની તાલાવેલીને કારણે જ ભગવાને અમને ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ દુ:ખનો અનુભવ થવા નહીં દીધો હોય, એવું અમારી માન્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના છેવાડે આવેલ મેરા નામનું ગામ. એમાં રામજીભાઈ નીડિયા નામના ખેડુત રહે. એમને બે દીકરા. મોટો શ્રવણ મારા દીકરા ધિરેન સાથે રૂપેણ નદીના કિનારે આવેલ ફતેપુર ગામની ઉત્તર બુનિયાદી શાળામાં S.S.C.માં અભ્યાસ કરે. પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ જવાથી આચાર્યએ શ્રવણને શાળામાંથી કાઢી મૂક્યો. એ સમયે મારા નાના દીકરા જનકને પગે અકસ્માત થયો હોવાથી એને શાળાએ જવા અપડાઉન કરવું ન પડે, તે માટે અમે ફતેપુર ગામે શાળાની પાસે જ એક ખેડૂતનું ઘર ભાડે લઈને રહેતાં હતાં.
શ્રવણને શાળામાંથી કાઢી મૂક્યો છે, એવી વાત મને એના પિતા રામજીભાઈએ કરી. મારા વડવાઓ ચાર પેઢી સુધી રહેલા એ જ ગામના રામજીભાઈ વતની હોવાથી મારા પરિચિત હતા. એમણે પોતાના દીકરા શ્રવણની ભણવા અંગેની ચિંતા મારી સમક્ષ વ્યક્ત કરી.
હું આચાર્યને મળ્યો ને શ્રવણનું ભવિષ્ય ન બગડે તે માટે એની ભૂલ માફ કરી શાળામાં અભ્યાસ કરવા દેવા વિનંતી કરી. શ્રવણની જવાબદારી મેં લીધી ને મારા ઘરે જ રાખીને એને બોર્ડની પરીક્ષા પાસ કરાવી. એ પછી અમે અમદાવાદ સીફ્ટ થયાં, શ્રવણ પણ આગળ અભ્યાસ કરવા માટે અમારી સાથે આવ્યો હતો. ધિરેન અને શ્રવણ બંનેએ સાથે હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરી.
કોઈની સાથે અંગત અદાવતમાં શ્રવણના પિતાનું ખૂન થયું. શ્રવણનો અભ્યાસ તો ઠીક, પણ જે ઘરમાં સાસુ અને વહુ બંને વિધવા હોય તે ઘરની સ્થિતિની કલ્પના પણ રૂંવાડાં ખડાં કરી દે તેવી હોય છે. રામજીભાઈની ગામની ખેતીની જમીન ભાગે આપી દીધી. શ્રવણના અભ્યાસની વાત આવી એટલે એ તો મારા ઘેર રહીને જ ભણતો હતો. એના ભણતરની જવાબદારી મેં લીધી. ધિરેન જનક અને શ્રવણ ત્રણેય સાથે રમે, સાથે જમે અને સાથે વાંચે! શ્રવણનો અભ્યાસ ચાલુ જ રહ્યો. ધિરેને આગળ અભ્યાસ કરવા કોલેજમાં એડમિશન લીધું અને શ્રવણ સી. એન. વિદ્યાલયમાં જી.બી.ટી.સી. કરવા જોડાયો.
ધિરેન એમ.એ. કરવા ગુજરાત યુનિવર્સિટીમાં દાખલ થયો ને એ દરમિયાન એક ભાગી પડેલા પરિવારને બેઠા કરવાની મારી મહેનત ફળી. શ્રવણને પ્રાથમિક શિક્ષક તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામની શાળામાં નોકરી મળી ગઈ.
પિતાનું ખૂન થયું છતાંય શ્રવણની કેરિયર ન બગડે તે માટે એને સાંત્વના આપી આગળ ભણવાની પ્રેરણા આપી. આજે રામજીભાઈ એમનો સુખી પરિવાર જોવા ઉપસ્થિત નથી, પણ એક મોભ વગરના પરિવારનો ટેકો બનવાનું સદભાગ્ય અમને મળ્યું તે માટે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીએ છીએ.
No comments