three columns

Breaking News

"जो बून्द से गयी वो होज से नहीं आती" દશરથ પંચાલ

"जो बूंद से गयी, वो होज से नहीं आती!"
સંકલન : દશરથ પંચાલ
શહેનશાહ અકબરના દરબારમાં બીરબલ ખુબ ચતુર અને હોશિયાર સલાહકાર હતો. અકબરને પણ બીરબલની ચતુરાઈ પર ગર્વ હતો. બીરબલ ગમે તેવા અકળ કોયડાનો ઉકેલ એવી ખુબીથી લાવતો કે બંને પક્ષને માન્ય રાખવું પડે અને તેથી બીરબલનું સ્થાન અકબરના દરબારમાં શિરમોર હતું. બીરબલ ક્યારેક કટાક્ષભરી વાણીમાં અકબર બાદશાહની પણ એવી નજાકતથી રેવડી કરી નાખે કે અકબરને બચાવ કરવાનું પણ મુશ્કેલ બની જાય!
એક વખત અકબર બાદશાહ અને બીરબલ કોઈ હળવા વિષય પર ચર્ચા કરી રહ્યા હતા, તેવામાં એક અત્તરના વેપારીએ પોતાની પાસેનાં સુગંધીદાર અત્તર બાદશાહને બતાવવા માટે અંદર આવવાની રજા માગી. અકબરને અત્તરનો ખુબ શોખ હતો. એણે અત્તરના વેપારીને અંદર બોલાવ્યો.
અત્તરનો વેપારી ખુબ ઊંચી જાતનાં અત્તર બાદશાહ માટે લાવેલી, તેથી આજે પોતાને બાદશાહ સલામત તરફથી મોટો સરપાવ મળવાની આશા હતી. વેપારી એક પછી એક અત્તરની બોટલોમાંથી અત્તર કાઢી બાદશાહના અને બીરબલના હાથ પર લગાડતો હતો.
વેપારીએ એક બોટલ ખોલી, ખોલતાંની સાથે એની ફોરમથી બાદશાહ ખુશખુશાલ થઈ ગયા. વેપારીએ બોટલમાંથી રૂનું પુમડું અત્તરથી તરબતર કરી બાદશાહના હાથ પર મૂક્યું. બાદશાહ તો એની સોડમથી પ્રભાવિત થયા હતા. એમણે અત્તરનો મઘમઘાટ માણવા ઉતાવળે પોતાનો હાથ નાક નજીક લીધો! એવામાં અત્તરથી તરબતર રૂનું પુમડું જમીન પર પડી ગયું! બાદશાહ તો અત્તરની ફોરમથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે, એમણે જમીન પર પડી ગયેલું અત્તરનું પુમડું લઈ લીધું ને પોતાના નાક પાસે લઈને અત્તરની સોડમ માણવા લાગ્યા!
આ દૃશ્ય બીરબલે જોયું! પોતે જમીન પર પડેલું લઈ સુંઘ્યું અને તે બીરબલે જોયું, એટલે બાદશાહ થોડાક ઝંખવાયા!
આપણી ભૂલ કોઈ જુએ નહીં તો અફસોસ નથી થતો, પણ તે અન્યની નજર સમક્ષ આવે તેનો આપણને ખુબ મોટો રંજ થાય છે.
બાદશાહ જેવો બાદશાહ જમીન પર પડેલું અત્તરનું પુમડું લઈ સુંઘે, અને તે પોતાની ઠેકડી ઉડાડી શકે તેવા બીરબલની ચકોર નજરમાં આવે તેથી બાદશાહને મનમાં સંકોચ થયો. એમણે ભોંઠપમાંથી બચી જવા કહ્યું, 'બીરબલ! આપણને તો આ અત્તર ખુબ પસંદ છે અને મને પસંદ પડેલ અત્તરની લ્હાણી સમગ્ર નગરજનોને કરવા માગું છું!  આપણા દરબારમાં પાણીના ફુવારાવાળો હોજ ખાલી કરાવીને આ અત્તરથી ભરાવી દો. પછી નગરમાં ઢંઢેરો પીટાવો કે, બાદશાહને પસંદ પડેલ ઉત્તમ પ્રકારના અત્તરની એક-એક બોટલ દરેક વ્યક્તિ એ હોજમાંથી ભરી જાય!
અત્તરનો વેપારી તો આટલા મોટા જથ્થામાં અત્તરનું વેચાણ થવાથી ખુબ ખુશ થયો.
દરબારમાં આવેલ હોજમાં અત્તર ભરવામાં આવ્યું. નગરજનો લાઈનસર આવી બાદશાહ સલામતને વાંકા વળી સલામી આપતા અત્તરની બોટલો ભરી જતા હતા. અકબર બાદશાહ પણ બીરબલ સાથે ત્યાં ઉપસ્થિત હતા. તેઓ વારે વારે લોકોને કહેતા હતા કે, 'બધા જ લોકો આવીને અત્તરની બોટલો ભરી લો. આપણને તો અત્તરની કિંમત છે જ નહીં, અત્તરની બોટલોથી આખું નગર સુગંધિત બનશે. બીરબલ, મારે મન અત્તરના ટીંપાનું કોઈ મૂલ્ય નથી. તમામ લોકો અત્તરની બોટલો આ હોજમાંથી ભરીને લઈ જાઓ.'
બીરબલ તો ક્યારનોય સમજી ગયો હતો કે, જમીન પર પડી ગયેલ અત્તરનું પુમડું સુંઘતાં બાદશાહને પોતે જોઈ લીધા હતા, તે પ્રસંગ ઢાંકવા માટે એમણે આ કીમિયો કર્યો છે!
બીરબલે અકબર બાદશાહના કાન પાસે જઈ ધીમેથી કહ્યું : 'બાદશાહ સલામત, ગુસ્તાખી માફ હો, લેકીન जो बूंद से गयी, वो होज से नहीं  आती!'
આ સાંભળી પોતાની આબરૂ ઢાંકવા માટે આખા નગરજનોને અત્તરની લ્હાણી કરાવનાર અકબર બાદશાહના ચહેરા પરનું નૂર ઉતરી ગયું!

No comments