three columns

Breaking News

" ભરોસો મોટો કે ભગવાન" દશરથ પંચાલ

"ભરોસો મોટો કે ભગવાન?"
સંકલન : દશરથ પંચાલ
અકબર બાદશાહે હિંદુસ્તાન પરના પોતાના શાસનકાળ દરમિયાન અનેક પ્રજાલક્ષી કામો કર્યાં હતાં. એના દરબારમાં વિવિધ બાબતોમાં પારંગત રત્ન સમાન આઠ લોકો હતા, તેમાં કલગી સમાન બીરબલ હતો.
એક વખત અકબર બાદશાહના દરબારમાં 'ભરોસો મોટો કે ભગવાન' નો મુદ્દો ચર્ચાની એરણ પર હતો. સૌ વિવિધ પ્રકારનાં ઉદાહરણ દ્વારા પોતાનો મત વ્યક્ત કરતા હતા. બાદશાહે બીરબલ સામે નજર કરી, પોતાનું મંતવ્ય જણાવવા કહ્યું.
'ભગવાન  કરતાં ભરોસો મોટો છે!' બીરબલે પોતાનું મંતવ્ય જણાવ્યું.
બાદશાહે કહ્યું, 'એનું પ્રમાણ આપો.'
બીરબલે બાદશાહ પાસે એક વરસનો સમય માગ્યો.
એક દિવસ રાત્રે બીરબલ નગરચર્યાએ નીકળ્યો. રસ્તામાં તેણે એક મરેલા ગધેડાને જોયો. બીરબલે રાતોરાત પોતાના અંગત માણસો દ્વારા એ મરેલા ગધેડાને રાજદરબાર પાસેના ચાર રસ્તા વચ્ચે ખાડો ખોદાવી દાટી દઈ તેના પર નાની કબર ચણાવી દીધી!
બીરબલે પોતાના માણસો દ્વારા એવી હવા ફેલાવી કે ચાર રસ્તા પર આવેલ ગધાપીરની બાધા રાખવાથી ધારેલી ઈચ્છા ફળે છે!
એક-બે માસમાં  તો ગધાપીરની દરગાહ અત્તર અને લોબાનના ધૂપની સુવાસથી મઘમઘી ઊઠી.
કોઈની ઈચ્છા મુજબનું કામ થાય એટલે તે વાત અનેક મનતરંગી વાઘા પહેરાવી હજારો લોકો સુધી પહોંચાડે! ગધાપીરના ચમત્કારની વાત અકબરના રાણીવાસમાં પહોંચી. અકબર બાદશાહ અને બેગમે સંતાનપ્રાપ્તિ માટે માનતા રાખી. એમની માનતાના ફળસ્વરૂપે દીકરો જન્મ્યો! બાદશાહ બધા દરબારીઓ સમક્ષ કહેવા લાગ્યા કે, 'આ દીકરો ગધાપીરની કૃપાનું પરિણામ  છે. આજે સાંજે આપણે સૌ ગધાપીરની માનતા કરવા જઈશું.'
ગધાપીરની દરગાહ આજે શાહી અત્તરથી મઘમઘી રહી હતી. ઢોલ-શરણાઈઓના અવાજે જનમેદની એકત્ર થઈ ગઈ હતી. બાદશાહ અને બેગમે એમની માનતા પૂરી કરી, ગધાપીરની બંદગી કરી.
બીરબલે બાદશાહને કહ્યું, 'બાદશાહ સલામત, આપણે એક વરસ પહેલાં ચર્ચા કરી હતી કે, ભરોસો મોટો કે ભગવાન? તો આ ગધાપીર એ ભરોસાનું પ્રમાણ છે!'
'એટલે તમે શું  કહેવા માગો છો?' બાદશાહે સવાલ કર્યો.
'બાદશાહ સલામત, આ તો મરેલા ગધેડાને જમીનમાં દાટી તેના પર કબર ચણાવી, ગધાપીર તરીકેના પ્રચારથી અનેક લોકોના અને આપના ભરોસાનું પ્રતીક બની છે' બીરબલે પોતાની સફાઈ પેશ કરી, પણ બાદશાહ ના માન્યા. બીરબલે માણસો પાસે ગધાપીરના દરગાહ ખોદાવી અને ગધેડાનું હાડપિંજર નીકળ્યું તે જોઈ અકબર બાદશાહે પણ કબૂલ્યું કે, ભગવાનથી પણ મોટો ભરોસો છે!

No comments