"Because i am mother" દશરથ પંચાલ
"Because, I am Mother."
સંકલન: દશરથ પંચાલ
યુરોપ દેશમાં એક શાહી કબ્રસ્તાનમાં એક કબર પર 'Because I am Mother' એવા શબ્દો કોતરવામાં આવ્યા છે. એની પાછળનું રહસ્ય એક માની મમતાનો અજોડ પુરાવો રજુ કરે છે!
યુરોપના એક પરગણાના રાજાની કુંવરીને એક ગંભીર પ્રકારનો અસાધ્ય રોગ થયેલો. અનેક પ્રકારની સારવાર કરવા છતાં એનો કોઇ ઇલાજ ન હતો. એની બીમારી એવી ભયંકર હતી કે, જે કુંવરીનો સ્પર્શ કરે તેનું મૃત્યુ થાય. રાજવૈદોની સલાહ પ્રમાણે આઠેક વર્ષની કુંવરીને એક બંધ ઓરડામાં રાખવામાં આવી હતી. એને જમવાનું એક નાની બારી દ્વારા પહોંચાડવામાં આવતું. એટલી નાની કુંવરીને બંધ ઓરડામાં પુરાઈ રહેવું પડતું. ના કોઈની સાથે તે રમી શકે કે ના તેને કોઈ વહાલ કરી શકે!!
રાણીને પોતાની લાડકી દીકરીને મળવાનું, એને ખોળામાં બેસાડી ચૂમી લેવાનું ખુબ મન થતું, પણ રાજા એમ કરતાં રોકતા, કારણ કે એનો સ્પર્શ માત્ર મૃત્યુ પમાડનાર હતો!
રાજકુંવરી સુનમુન દશામાં બંધ ઓરડામાં પુરાઈ રહેતી. પોતાને થયેલા રોગની ભયાનકતાથી અજાણ રાજકુંવરીને થતું કે, 'મારી સાથે કેમ કોઇ રમતું નથી, મને કેમ કોઇ વહાલ કરતું નથી, મને કેમ કોઇ વહાલથી ઊંચકી લઈ ચૂમતું નથી!?'
એક દિવસ ભોજન પહોંચાડવાની નાની બારીમાંથી વહાલ માટે તરસતી પોતાની લાડકવાયી દીકરીને જોઈ માનું હૈયું હાથ ન રહ્યું, ને રાણીએ પોતાની લાડકી દીકરીને વહાલથી ભીંજવી નાખવા ઓરડો ખોલ્યો ને દોડતી દીકરીને ભેટી પડી. એને ચૂમીઓ ભરી હેત વરસાવવા લાગી!
પોતાની દીકરીનો સ્પર્શ કરવા માત્રથી પોતાનું મૃત્યુ નિશ્ચિત છે તે જાણતી હોવા છતાં તેણે શા માટે દીકરીને ચૂમી?
એના જવાબમાં લથડાતી જીભે 'Because I am Mother.' કહેતાં તેણે પોતાના પ્રાણ છોડ્યા!
માની મમતાનો કોઇ જ વિકલ્પ નથી. માને મમતા વરસાવતાં મોત પણ રોકી શકતું નથી.
No comments