three columns

Breaking News

"ઉજળો રંડાપો દશરથ પંચાલ

"ઉજળો રંડાપો"
લેખક : દશરથ પંચાલ
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાનું મહેસાણા - પાટણ જિલ્લાની હદ પાસેનું છેવાડાનું ગામ -  મેરા. આ ગામમાં મોટાભાગની વસ્તી મુસલમાનોની છે. એ ગામમાં  મારા ચોથી પેઢીના વડવા નારણદાદા વણોદ ગામેથી આવી વસેલા.
આઝાદી પહેલાં આ ગામ મુસલમાન દરબારના તાબાનાં હતાં. મારા વડવાઓનો વ્યવસાય લુહારીકામનો, પણ સાથે ખેતી પણ કરતા, એટલે ગામના દરબાર તરફથી બે સાંતીની જમીન પણ મળેલી.
મનોરંજનનાં મોંઘાં સાધનો કે પીકનિક જેવાં રૂપાળાં એરૂ આ ગામને આભડવા જનમ્યાં નહોતાં, એ જમાનાની આ વાત છે.
મનોરંજન સાથે સંસ્કારસિંચન કરતી રામલીલા શિયાળાની ઠંડીમાંય ગામના ખુલ્લા ચોક વચ્ચે પરોઢે ખેતીકામમાં જોતરાતા લોકોને મોડી રાત સુધી જકડી રાખતી. સામાજિક પ્રસંગોમાં આખું ગામ ધુમાડાબંધ જમતું! સાજેમાંદે ૧૦૮ થીય વિશેષ હુંફ ગામલોકો આપતા. સાધનો અને સારવાર ટાંચાં હતાં, પણ લોકોનાં દિલ ઉદાર અને વિશાળ હતાં. અફીણ, બીડી-તમાકું જેવાં વ્યસનોની ચુંગાલમાં ફસાયેલા માણસોમાં ગામની બહેનદીકરીઓની આબરૂનાં રખોપાં કરવાની ખમીરી જીવતી હતી. રૂપિયા સાચવવા બેંકો નહોતી, પણ સારા-માઠા  પ્રસંગોમાં હૈયાસહારો આપનાર સમાજ હતો. કેવળ જાતમહેનત પર જીવન ગુજારનારના ઘરેય દિવાળીના દીવા પ્રગટતા ને એમનાં સંતાનોના લગ્નપ્રસંગો ગામોત્સવ રૂપે રંગેચંગે ઉજવાતા. હા, એ જમાનામાં પણ દુષણો અનેક હતાં, તોય આંખની શરમ લોકો ભરતા. વડીલોની આમન્યા જળવાતી અને ઓછી આવકમાંય લોકો સંતોષથી જીવતાં.
નારણદાદાની પુણ્યાઈ ઘણી. એમણે રાણી છાપના રૂપિયા સુંડલે સુંડલે રેશનિંગની સિમેન્ટની બે થેલીમાંથી બનાવેલી પાકી ચોકડીમાં ઠલવીને તેની ઉપર અનાજ ભરવાના કોઠારો બનાવેલા. રૂપિયા ઘણા હતા, એનો ઠઠારો ન હતો.
સમયની સાથે જમાનાનો મિજાજ પણ બદલતો ચાલ્યો. નારણદાદાના ખોડાદાદાનું આયખું પણ આ ગામમાં જ વીત્યું. ખોડાદાદાના ઊંટ, ઘોડા, ગાય, ભેંસ, બળદ વાળા એ વૈભવ ભોગવનાર બે દીકરા. સાત વરસના નાના દીકરાને ઊંટ ખુબ ગમે. ઊંટને આગળ ચાલતા તળાવ પાણી  પીવડાવવા લઈ જતાં રસ્તામાં ઠેસ વાગી ને પડી જવાથી પાછળ આવતા ઊંટના પગ તળે કચડાઈ જવાથી એમનું અવસાન થયેલું. મોટા દીકરા મગનદાદા મોટા થયા ત્યારે જમાનાનો પવન બદલાઈ ચૂક્યો હતો. એમને ચાર દીકરી અને એક દીકરો. એમણે મોટી દીકરી પંદર વર્ષની થતાં ચારેય દીકરીઓના હાથ પીળા કરી દીધા! મગનદાદાને વારસામાં બે સાંતીની જમીન મળેલી, સાથે બદલાતા જમાનાની ગામની છાકટી આછકલાઈ ભરેલી પ્રજા વચ્ચેનો વસવાટ પણ! મગનદાદાને એક માત્ર દીકરા બળદેવભાઈ ની ઉંમર માત્ર સાત વર્ષની. મગનદાદાએ પોતાની પાછલી અવસ્થામાં દીકરાનું મોં જોયેલું એટલે પોતાની હયાતીમાં પુત્રને પરણાવવાનો અભરખો પણ એમણે પૂરો કર્યો હતો.
બદલાતા જમાનાના અણસારે મગનદાદાને ગામ બદલવા પ્રેર્યા અને રૂપેણના કાંઠે વસેલા ધનોરા ગામના આગેવાન ગણાતા નથાભાઈ વઢેરના આગ્રહને વશ થઈ મગનદાદાએ ધનોરા ગામે વસવાટ કરવાનું વિચાર્યું. જો મેરા ગામ છોડી ધનોરા વસવાટ કરવો હોય તો મેરા ગામની બે સાંતીની જમીન દરબારને પરત કરવી પડે! મગનદાદાને એ પણ મંજુર હતું!
ધનોરા ગામ એ સમયે રાધનપુર નવાબના તાબા હેઠળનું ગામ, પણ ગુજરાતના ખ્યાતનામ કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયાનાં માતાને બહેન તરીકે કાપડામાં ઈનામરૂપે અપાયેલ ગામ હતું. બળદેવભાઈનાં માતુશ્રી દિવાળીબાને નથાભાઈએ બહેન કરેલાં, એટલે એમના પ્રયાસથી મગનદાદાને ધનોરા ગામની વચ્ચે વીઘા જેવડો રહેણાંક માટેનો પ્લોટ અને ૭૦ વીઘા ખેતીની જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ.
મેરા ગામ છોડતાં પણ મેરા દરબારે રોકવાના ઘણા મીઠા પ્રયત્ન કર્યા પણ મગનદાદા ન રોકાયા.
મગનદાદા ધનોરા ગામે પાંચેક વર્ષ જીવ્યા. એમનું અવસાન થયું ત્યારે બળદેવભાઈ ૧૨ વર્ષના હતા. દિવાળીબાને ગામ તરફથી ખુબ હુંફ મળી. ખેડે તેની જમીનનો પવન ફુંકાવાનું શરૂ થયું હોવાથી દિવાળીબાને નથાભાઈએ મદદ કરી અને જમીન ખેડાતી રહી.
એવામાં દિવાળીબાનાં બીજા નંબરનાં દીકરી અનુબેનનો ચૂડલો નંદવાયો. વિધવા માતા અને સગીર ભાઈને હુંફ આપવા માટે વિધવા બનેલાં અનુબેન ધનોરા જ રહ્યાં. ઘણાં સારાં ઘરમાંથી પુનર્લગ્ન માટે કહેણ આવ્યાં, પણ અનુબેને નનૈયો ભણ્યો અને બાપની ગેરહાજરીમાં સગીરભાઈની ૭૦ વીઘા જમીન ખેડાવવા હામ ભીડી. એક મરદને શરમાવે એવી વીરતાથી રાતવરત વગડે ફરી ખેતરના મોલની રખેવાળી કરે, પણ કોની મગરૂર છે કે વીસ વરસનાં અનુબેન સામે ઊંચી આંખ કરીને જોઈ શકે!?
વિધવા બનેલાં અનુબેન પર ઉપરાઉપરી કુદરતે કેર વર્તાવ્યો.
ભાઈ માટે  રંડાપો વેઠનાર અનુબેને બીજા વરસે માતાને ગુમાવ્યાં. એટલું ઓછું હોય તેમ પહેલું આણું વરેલી ભાભીએ ફારગતી લીધી. માબાપ વિહોણા બળદેવભાઈને ફરી પરણાવવા અનુબેને આકાશ પાતાળ એક કર્યાં. એક વડીલની અદાથી અનુબેને ભાઈને પરણાવ્યો, પણ કરમની કઠણાઈ કે વિધિની વક્રતા-જે કહો તે, એકાદ વર્ષમાં જ બીજી ભાભીનું ટુંકી માંદગીમાં અવસાન થયું. પણ હિંમત હારે તે અનુબેન નહીં, ખેતી સંભાળતાં સંભાળતાં ભાઈને ત્રીજી વખત પરણાવ્યો. એમાં એમનાં મોટાં બહેન કુંવરબેનનો મહત્ત્વનો ફાળો હતો. વડીલ પુરુષ વગરના ઘરમાં એક મોભીની ભુમિકા ભજવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. આ કામ અનુબેન જેવી લોખંડી સ્ત્રી  જ કરી શકે!
ભાઈ માટે પોતાના મોજશોખ, યુવાનીની આહુતિ આપી સ્વયંના અસ્તિત્વને  ત્યાગનાર અનુબેને ભાઈનાં સંતાનોને પોતાનાં ગણી ઉછેર્યાં. સાત દાયકાનો ઉજળો રંડાપો ભાઈના ખાતે કરનાર અનુબેન આજે હયાત નથી, પણ શેકેલા ચણાને  પોતાના દાંતે ઝીણા ચાવી, જેમના મોંમાં મૂક્યા છે, એવાં ભાઈનાં સંતાનો આ યાદોને વાગોળતાં ગૌરવની લાગણી અનુભવે છે.


લેખક : દશરથ પંચાલ
60, ન્યુ રાજહંસ સોસાયટી,
બલોલનગર ચાર રસ્તા પાસે, રાણીપ,
અમદાવાદ -  382480
મો. 8043020104

No comments