three columns

Breaking News

"તરણા ઓથે ડુંગર" દશરથ પંચાલ

"તરણા ઓથે ડુંગર"
લેખક : દશરથ પંચાલ
ઉત્તર ગુજરાતમાં આંતરે વર્ષે દુષ્કાળ પડતો. 1967 ની સાલ. એ વર્ષે દુષ્કાળ પડેલો. હું મારા મોસાળ દસાડા મારા મામાના ઘરે રહીને માંડલની હાઈસ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એ જમાનો વિનિમય પદ્ધતિનો હતો. મારા મામાને સંકોચ ન થાય તે માટે મારા બાપુજી 25 મણ જેટલી બાજરી ગાડામાં ભરી મામાના ઘરે આપેલી. મામા સુથારી કામ કરતા. એમનાં પાંચ બાળકો અને બે તેઓ મળીને સાત સભ્યોના પરિવાર સાથે હું રહેવા ગયેલો. મામાને બહુ કામ મળે નહીં અને ઉપરથી દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. મારો એસ. ટી. પાસ અને સ્કૂલ ફી મળી મહિને પંદરેક રૂપિયાનો ખર્ચ થતો.
મામા ઘર માંડ ચલાવતા એટલે હાઈસ્કૂલની ફી ત્રણેક માસની ચડેલી. મારા વર્ગશિક્ષક પૂ. શ્રી રામચરણભાઈ સાધુ એ અમારા પંચાલ જ્ઞાતિમંડળના રામજી મંદિરના પુજારી હતા. મેં એમને મામાના ઘરની પરિસ્થિતિને કારણે ફી નહીં ભરી શકાતી હોવાની વાત કરી.
એ દિવસોમાં મારી કલમનો સળવળાટ શરૂ થઈ ચૂક્યો હતો. હું  સ્કૂલની લોબીમાંના બ્લેક બોર્ડ પર મારી રચેલી કવિતાઓ લખતો. એ કવિતાઓ મારા વર્ગશિક્ષક શ્રી રામચરણભાઈ સાધુ એમની ડાયરીમાં નોંધી રાખતા. સાહિત્યના પુજારી એવા બીજા એક અંગ્રેજીના શિક્ષક હતા, શ્રી ચતુરભાઈ મંડલી. બંને શિક્ષકોને મારી કવિતાઓ ગમતી. તેમની પાસેથી મને માર્ગદર્શન પણ મળતું.
મારી ત્રણ મહિનાની ચડેલી ફી અંગે એ બંને શિક્ષકોએ જાતતપાસ કરવા રવિવારે મામાના ઘરે આવ્યા. પરિસ્થિતિનો તાગ લઈ એમણે વિદાય લીધી. સોમવારે એમણે મને ઓફિસમાં બોલાવ્યો. આચાર્યશ્રીની હાજરીમાં બંને શિક્ષકોએ મારા અભ્યાસ ખર્ચ માટે એક ઉકેલ શોધી રાખેલો. મારી લખાયેલી કવિતાની એક નાની પુસ્તિકા પ્રગટ કરવી અને 25 પૈસાના મૂલ્યથી વેચાણ કરવું અને એ આવકમાંથી મારી સ્કૂલ ફી તેમજ એસ. ટી. બસના પાસનો ખર્ચ કાઢવાનું નક્કી કરાયું. છપામણી ખર્ચ શિક્ષકોએ ભોગવ્યો. એને શિક્ષકોએ જ શણગારી ને પુસ્તિકા 'તરણા ઓથે ડુંગર'  નામથી પ્રકાશિત થઈ. બધા વિદ્યાર્થીઓએ ઉમંગથી ખરીદી ને મારા ત્રણ વર્ષની સ્કૂલ ફી તેમજ એસ. ટી. બસના પાસની વ્યવસ્થા એમાંથી જ થઈ!
એ સમયે મને એ 'તરણા ઓથે ડુંગર' પુસ્તિકાની મહત્તા મારા ત્રણ વર્ષનો ખર્ચ કાઢનાર લાગેલી, પણ આજે 50 વર્ષે એનું સ્મરણ કરૂં છું ત્યારે મને આટલી ઊંચાઈએ ચલાવનાર પહેલા પગથિયા રૂપે એની ગણના કરતાં મારા બંને શિક્ષકો પરત્વે ઋણ સ્વીકારની ભાવના પ્રગટ કરતાં ગૌરવની લાગણી અનુભવું છું.
એ સમયે હું સ્કૂલમાં  ફી નહોતો ભરી શકતો તેની જાણ મારા બાપુજીને ઘણી મોડી થયેલી. પરંતુ એ વખતે મને મારામાં રહેલી શક્યતાઓની જાણ થઈ ચૂકી હતી. પછી તો શ્રી ચતુરભાઈ મંડલી અને શ્રી ધુની માંડલિયાની પ્રેરણાથી આકાશવાણી- અમદાવાદ કેન્દ્રની સ્વર પરીક્ષા પણ A ગ્રેડ સાથે પાસ કરી.
આજે જીવનના પરમ સંતોષના ઓડકાર ખાતાં એક વાતનો વસવસો રહ્યો છે કે, મારૂં પ્રથમ સાહિત્ય સર્જન 'તરણા ઓથે ડુંગર' ની એક પણ પ્રત મારી પાસે ઉપલબ્ધ નથી. સ્કૂલમાં પણ નથી!

No comments