three columns

Breaking News

આપણા અંતર નૅ અજવાળિઍ.....


                                                                                          
સને 2014 માં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના એરવાડા ગામે દશેરાની રાતે એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. એ કાર્યક્રમના આયોજનમાં વડગામ ખાતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે છાત્રાલય ચલાવતા યુવાન મિત્ર વશરામભાઈ પણ હતા. આ આયોજન વિશિષ્ટ પ્રકારનું એટલા માટે હતું કે, એમાં 92 ગામના 1200 ભૂવાજી એકત્ર થયા હતા. 
આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી મારે ઉદઘાટન કરવાનું હતું. અંધશ્રદ્ધા નાબુદી કરવા માટેના પ્રયાસમાં આવું ઓડિયન્સ મને  મળે એટલે હું ખુબ રાજી થયો ને મેં મારી સંમતિ આપી. નિમંત્રણ પત્રિકાઓ છુપાઈને ગામેગામ વહેંચાઈ ગઈ. 1200 ભુવાજી, એમનાં સ્વજનો તથા ગામલોકો મળીને પાંચેક હજારની જનમેદની વગર દીવાસળીએ દીપ પ્રાગટય જોવા ઉમટી હતી. હું અમદાવાદથી ગાયનું દીપ પ્રાગટય માટે સાથે લઈ ગયેલો તે બાજુના ઘરે ગરમ કરવા ગામના એક યુવાનને આપ્યું. એ યુવાનને આ ઘી ચમત્કાર વાળું લાગ્યું હશે એટલે એણે એ ઘી લઈ બદલીમાં પોતાના ઘરનું ઘી ગરમ કરી લઈ આવ્યો. મેં દીપ પ્રાગટય માટે તૈયાર કરેલ દીવેટ સાથેના કોડિયામાં ઘી રેડતાં જ દીપ સ્વયંભૂ પ્રગટેલો જોઇને તાલીઓનો ગડગડાટ શરૂ થયો. જેમની ગણના મહાન ભૂવાજી તરીકે થતી તેઓ ઊભા થઈ મારા પગમાં પડવા લાગ્યા. મેં એમને બે હાથ જોડી વિનમ્રતાથી ના પાડી. મેં એમને મારા બંને હાથ તપાસવા કહ્યું. બે ભૂવાજીએ સ્ટેજ પર આવી મારા બંને હાથને કોઈના ઉપરના ભાગ સુધી ખુલ્લા કરી બતાવ્યા. દશ હજાર આંખો એકીટશે મારા તરફ મંડાઈ રહી હતી. મેં બંને હાથ ભેગા કર્યા અને પહેલી હરોળમાં બેઠેલા ભૂવાજીના હાથમાં કંકુ ખેરવવા લાગ્યો. સૌ એ કંકુને માતાજીનો પ્રસાદ માનીને લેવા માટે પડાપડી કરતા જોઈ સ્ટેજ પર  આવીને મેં મારું ઉદઘાટન પ્રવચન શરૂ કર્યું. 
મને મનમાં થયું કે, આ ભોળી અબુધ પ્રજાને વર્ષોથી અનેક ધૂતારાઓ લૂંટતા રહ્યા છે. મેં આ સંમેલનને લોકજાગૃતિના મહાયજ્ઞ રૂપે જાહેર કર્યો. 
મેં મારા ઉદઘાટન પ્રવચનમાં લોકોના મનમાં સ્વયંભૂ દીપ પ્રાગટય અને હાથમાંથી સતત નીકળતા કંકુ વિશેના ભ્રમને તોડતાં કહ્યું :'મારાં ભોળા ભાઈબહેનો, આ વિશ્વમાં ચમત્કાર જેવી કોઈ ચીજ છે જ નહીં. આપણે જેની કલ્પના પણ ન કરી હોય અને તે બને એને આપણે સંશોધન કરવાની મથામણ કરવાને બદલે આપણે એને એક ચમત્કાર લેખે ખપાવી છીએ. આપણે સંશોધન કરતાં ડરીએ છીએ, કારણ કે  એનાં મૂળ ખુબ ઊંડાં છે. આપણને વર્ષો સુધી અક્ષરજ્ઞાનથી વંચિત રાખવામાં આવ્યા છે. આપણને બીબાઢાળ રીતરસમથી જકડી રાખવામાં આવ્યા તેને કારણે આપણા વ્યાવહારિક પ્રસંગો આપણને સતત દેવાદાર બનાવતા રહ્યા અને આપણે જાતે જ માની લીધું કે, આપણે આ રીતે જ જીવવું જોઈએ. એના કારણે આપણો જીવનપાયો અંધશ્રદ્ધા પર રચાયો ને આપણાં સંતાનોને એનો વારસો આપતા રહ્યા. 
તમે દીપ પ્રાગટયને સ્વયંભૂ થયેલું માની લીધું. અહીં બેઠેલ પાંચ હજારમાંથી કોઈનાય મનમાં  પ્રશ્ન ન થયો. મારા હાથમાંથી કંકુ ખરતાં તમે મને મહાન ભુવાજી તરીકે મનોમન સ્વીકારી લીધો એટલે તમારા મનમાં પ્રશ્ન ઊભો ન થયો કે, આ કેમ થયું? 
આજે મેં તમારી સમક્ષ દીપ પ્રાગટય કરેલું તેમાં કોઇ પણ પ્રકારના ચમત્કાર નહીં પણ એવાં બે કેમિકલ્સ હતાં કે બંને ભેગાં થાય તો પોતાના ગુણધર્મો પ્રમાણે તરત સળગી ઊઠે. આ કેમિકલ્સનાં નામ તમારી સમક્ષ જાહેર એટલા માટે નથી કરતો કે તેનો ઉપયોગ કોઈના જાનમાલને નષ્ટ કરવામાં થઈ શકે છે. 
મારા હાથમાંથી કંકુ ખરતું જોઈ સૌ એને લેવા પડાપડી કરતાં હતાં પણ મારા ઝબ્બાની બાંયમાં સંતાયેલ કંકુથી ભરેલ ટ્યૂબ તરફ કોઈએ ન જોયું. '' 
આપણી પ્રજા માહિતીના અભાવે સદીઓથી ગુમરાહ થતી રહી છે, દિવાળીના દીવા પ્રગટાવીએ છીએ, પણ આપણા અંદર રહેલા અંધકારરૂપી કુરિવાજો, ગેરસમજો અને ખોટી માન્યતાને દૂર કરવા માટેના દીવા ક્યારે પ્રગટાવીશું?


No comments