three columns

Breaking News

My Religion is to Respecting Your Religion. ~ iliyas My Religion is to Respecting Your Religion. ~ iliyas shaikh

▪ My Religion is to Respecting Your Religion.
~ iliyas shaikh

~ ઇલિયાસ શેખ 

મિત્રો, આમ તો હવે રાજકારણ, ધર્મ અને સ્ત્રી ઉપર ન લખવાનું નક્કી કર્યું છે. પણ મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હમીદ અંસારી સાહેબે એના વિદાય વખતના વક્તવ્યમાં એક એવું વિધાન કર્યું કે, એ બાબતે ન બોલીએ તો આપણે ન ગુણા કહેવાઇએ.

અંસારી સાહેબ, મુસ્લિમોને ભારતમાં કોઇ ભય નથી. જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે પણ ભય નહોતો અને હવે ભાજપનું રાજ છે તો પણ લગીરેય ભય નથી. ઉલ્ટાનું મને તો ક્યારેક એવું લાગે છે કે, માથે ટોપી, મૂછ વિનાની દાઢી, જ્યાં-ત્યાં ટગર-ટગર તાકતી ડરામણી સુરમો આંજેલી આંખો, પગથી બે વેંત ઉંચે ચડાવેલો ટૂંકો લેંઘો અને ઢીંચણ સુધી લંબાયેલો ઈસ્ત્રી વિનાનો ઝભ્ભો – આવો પહેરવેશ ધારણ કરેલ કોઇ મુલ્લા પ્રવાસમાં મળી જાય તો મને હું મુસ્લિમ છું તો પણ એનો ડર લાગે છે.! તો એનાથી સરેરાશ હિંદુને ડર લાગતો જ હશે. એમાં બે મત નથી.!

સાચી વાત કરું તો ભારતમાં હિંદુઓને હિંદુઓ ઉપર જેટલો ભરોસો છે એના કરતા મુસ્લિમો ઉપર વધારે ભરોસો છે. ઈમાનદારી, વફાદારી, નાણાકીય કે ચારિત્ર્યની બાબતમાં હિંદુઓને મુસ્લિમો ઉપર લગીર વધારે, એક દોરા વાર જેટલો જ પણ વધારે ભરોસો છે એટલે ડરવાની તો કોઇ વાત જ નથી આવતી.

મારે હમણાં જ ૪૬ વર્ષ પૂરા થયાં અને ૪૭મું ચાલે છે. આટલાં વરસના મારાં અનુભવે કહું તો મને તો હિંદુઓ પાસેથી અપાર પ્રેમ મળ્યો છે. પહેલાં ધોરણથી માંડીને પીજી સુધીના ૧૭ વર્ષના અભ્યાસ દરમિયાન ભાગ્યે જ હું કોઇ મુસ્લિમ શિક્ષક પાસે ભણ્યો છું. મારાં ૧૭ વર્ષના શિક્ષણ-કાળ દરમિયાન એક પણ ક્ષણ એવું નથી લાગ્યું કે હું મુસ્લિમ છું એટલે મને પુરતી તક આપવામાં નથી – કે પછી મારી સાથે ભેદભાવ કરીને મારી પ્રગતિ રુંધવામાં આવી હોય. હું તો રમુજમાં ઘણીવાર કહેતો હોઉં છું કે, જ્ઞાન મેં બ્રાહ્મણો પાસેથી પ્રાપ્ત કર્યું છે અને પૈસો મેં પટેલ પાસેથી પ્રાપ્ત કર્યો છે.!

જીવનની અડધી સદીના આરે ઉભો છું ત્યારે જવાબદારી સાથે કહું છું કે, સરેરાશ હિંદુ પ્રજા મળતાવડી, નાત-જાતના ભેદભાવમાં ન માનતી, સહિષ્ણુ, સહનશીલ અને સમજદાર છે. હિંદુ પ્રજા પોતે જ અનેક પ્રકારના આકાર અને નિરાકાર ઇષ્ટદેવને માને છે એટલે એમના માટે કોઇ મોહમ્મદમાં માને કે જીસસ ક્રાઈસ્ટમાં માને એ સમજવું અને સ્વીકારવું એકદમ સહજ છે. હું ત્યાં સુધી કહીશ કે, સરેરાશ હિંદુ ચાર અલગ અલગ ભગવાનના મંદિરે જતાં હોય છે એમ સહજતાથી દરગાહ અને ચર્ચમાં જતાં હોય છે. હવે તો હું જ દરગાહ કે મસ્જીદમાં નથી જતો પણ હું નાનો હતો ત્યારે ઇદની નમાઝ પઢવા હોંશે હોંશે મારાં અનેક હિંદુ મિત્રો માથે રૂમાલ બાંધીને મસ્જીદે આવતાં. હિંદુઓ વરસો પહેલાં પણ આટલાં પ્રગતિશીલ હતાં અને આજે પણ છે. આજે પણ મુસ્લિમ કે ખ્રિસ્તી હિંદુઓના મંદિરમાં જતો જોવાં નહીં મળે – અથવા તો ભાગ્યે જ જોવાં મળશે. એની સામે હિંદુઓ અનેકગણી સંખ્યામાં દરગાહ કે ચર્ચમાં જતાં જોવાં મળશે. નાતાલમાં અમારે રાજકોટના પ્રેમમંદિર ચર્ચમાં જીસસ-પ્રેમી હિન્દુઓનો એટલો ધસારો થાય છે કે, મૂળ ખ્રીસ્તીઓ બિચારાં છેક ચર્ચની બહાર ઊભા હોય છે.! હિંદુઓ તો કણ-કણમાં રામને જોનારી અને આત્મબોધની દિવ્યતાને પ્રાપ્ત કરેલી પ્રજા છે. એટલે એ સહજતાથી એની અમ્બ્રેલામાં સૌને સમાવી લે છે. પ્રોબ્લેમ તો -ખ્રીસ્તીમુસ્લિમોની બંધિયાર માન્યતાઓનો છે. એ લોકો રોજ સતત નિરંતર પોતાની આઇડેન્ટિટી પહેરવેશ, ભોજન, પ્રાર્થના અને ચેષ્ટાઓ દ્વારા વ્યક્ત કરતાં રહે છે. એની સામે સરેરાશ હિંદુ છાપ-તિલક-ચોટી અને માળા ફગાવી પોતાની વિશ્વમાનવની છબી ઉપસાવતો રહે છે. આવાં વાતાવરણમાં મુસ્લિમોને હિંદુઓથી ડર કેવી રીતે હોઇ શકે? માનવ સંબધોમાં બધી જ બાબતો રેસિપ્રોકલ હોય છે. માન જોઇતું હોય તો માન આપવું પણ પડે. મુસ્લિમો જો હિન્દુઓની આસ્થાની કદર ન કરે તો પછી હિંદુઓ શા માટે મુસ્લિમોની આસ્થાની કદર કરે. આ તો એક ને એક બે જેવી સાદી ને સીધા હિસાબની વાત છે.

હિંદુઓ જો પોતાના સમાજમાં જ સાકાર-નિરાકર ભગવાનમાં માનતા અનેક સંપ્રદાયોને પોતાના છત્રમાં સમાવી શકતું હોય તો એને કોઇ અલ્લાહ કે ગોડમાં માને એનાથી વાંધો ક્યાંથી હોઇ શકે? એટલે આદરણીય શ્રી હમીદભાઇ ભારતમાં મુસ્લિમો જરાય ડર હેઠળ નથી. આપશ્રી હવે નિવૃત થયાં છો તો ભારતના મુસ્લિમો મુલ્લાઓથી મુક્ત થાય એ દિશામાં કોઇ ક્રાંતિકારી યોજના હાથ ધરો એવી અમારી આપને નમ્ર અરજ છે અને એક મુસ્લિમ તરીકે એ તમારી પણ ફરજ છે. અસ્તુ. જય શ્રીકૃષ્ણ. ▪▪▪

No comments